5 દેશોનો ઐતિહાસિક પ્રવાસ ખેડીને આજે સ્વદેશ પરત ફરશે પીએમ મોદી
Live TV
-
5 દેશોનો ઐતિહાસિક પ્રવાસ ખેડીને આજે સ્વદેશ પરત ફરશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશોના પોતાના અત્યંત સફળ અને વ્યૂહાત્મક પ્રવાસને પૂર્ણ કરીને આજે ભારત પરત ફરી રહ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) થી શરૂ થયેલી આ વિદેશ યાત્રા ઇટાલી ખાતે સંપન્ન થઈ હતી. આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન ભારતે વૈશ્વિક સ્તરે અનેક મોટા હિતો સાધ્યા છે, જેનાથી આગામી સમયમાં દેશમાં વ્યાપાર, રોજગાર અને ટેકનોલોજીના ક્ષેત્રે નવી ક્રાંતિ જોવા મળશે.
કયા ક્ષેત્રોને મળશે બુસ્ટર ડોઝ?
આ યાત્રાને કારણે દેશમાં ઉર્જા સુરક્ષા, હરિત ઉર્જા, સેમિકન્ડક્ટર સહિત ઘણા ક્ષેત્રોને વેગ મળશે.
ઇટાલી મુલાકાત રહી સુપરહિટ: આ મહત્વના ક્ષેત્રો પર થયા હસ્તાક્ષર
પીએમ મોદીની ઇટાલી મુલાકાત બંને દેશોના સંબંધોમાં એક નવો અધ્યાય લઈને આવી છે. ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં મહત્વના કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ખેતીવાડી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અને સંશોધનોનું આદાનપ્રદાન થશે. ભવિષ્યની ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) માટે જરૂરી ખનિજોની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવશે. ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને વૈશ્વિક સ્તરે વધુ મોટી ઓળખ મળશે. વિજ્ઞાન, સ્પેસ અને ડિજિટલ ઇનોવેશન ક્ષેત્રે બંને દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરશે.
વ્યાપાર અને રોજગારની ખુલશે નવી તકો
આ પાંચ દેશોની યાત્રા માત્ર રાજદ્વારી સંબંધો પૂરતી સીમિત નથી, પરંતુ તેની સીધી અસર ભારતના અર્થતંત્ર પર પડશે. વિદેશી કંપનીઓ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા માટે આતુર છે, જેના કારણે સ્થાનિક સ્તરે ઉત્પાદન (Manufacturing) વધશે અને દેશના યુવાનો માટે લાખોની સંખ્યામાં રોજગારીની નવી તકો ઉભી થશે.
પીએમ મોદીનો આ પાંચ દેશોનો પ્રવાસ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારતની મજબૂત સ્થિતિ અને 'ગ્લોબલ સાઉથ' ના નેતા તરીકેની છબીને વધુ દ્રઢ કરે છે. હવે આ કરારો જમીની સ્તરે ઉતારવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.
