PM મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા બાળકો સાથે સંવાદ કરી તેમને બિરદાવ્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સની મદદથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતા બાળકો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પણ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર, અસાધારણ યોગ્યતા, નવીકરણ , શાળાકીય ઉલબ્ધી, ખેલકૂદ, કલા અને સંસ્કૃતિ, સામાજિક સેવા અને બહાદુરીના ક્ષેત્રે ઉત્કૃષ્ઠ ઉપલબ્ધિ બદલ પુરસ્કાર પ્રદાન થાય છે. આ વર્ષે બાળશક્તિ પુરસ્કારની વિવિધ શ્રેણીઓ હેઠળ દેશભરના 32 બાળકોની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2021 માટે પસંદગી થઇ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્ર માટે સાત, નવીકરણ ક્ષેત્ર માટે 9 અને શાળાકીય ઉપલબ્ધિ માટે પાંચ વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત થવાના છે. ત્રણ બાળકોને તેમની બહાદુરી માટે અને એક બાળકને સમાજસેવાના ક્ષેત્રમાં તેના પ્રયાસો બદલ પુરસ્કારથી નવાજવામાં આવશે. આ તમામ વિજેતા સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કરીને તેમને બિરદાવ્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મહામારીનો સામનો કરવામાં બાળકોએ સૌથી મોટી ભૂમિકા નિભાવી છે. પ્રધાનમંત્રીએ રાજકોટના મંત્ર હરખાણી સાથે ગુજરાતીમાં સંવાદ કર્યો હતો.
