PM મોદીએ વારાણસીને આપી 3800 કરોડની ભેટ, 44 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વારાણસીમાં 3884.18 કરોડ રૂપિયાના 44 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ 70 વર્ષથી વધુ ઉંમરના ત્રણ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ, ત્રણ ભૌગોલિક સંકેત (GI) પ્રમાણપત્રો આપ્યા અને બનાસ ડેરી (અમૂલ) સાથે સંકળાયેલા રાજ્યના ડેરી ખેડૂતોને 106 કરોડ રૂપિયાનું બોનસ પણ ટ્રાન્સફર કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, "કાલે હનુમાન જન્મોત્સવનો પવિત્ર દિવસ છે. આજે મને સંકટ મોચન મહારાજના કાશીમાં તમને મળવાનું સૌભાગ્ય મળ્યું છે. હનુમાન જન્મોત્સવ પહેલા કાશીના લોકો વિકાસની ઉજવણી કરવા માટે એકઠા થયા છે. છેલ્લા 10 વર્ષમાં બનારસના વિકાસને એક નવી ગતિ મળી છે. કાશીએ આધુનિક સમયમાં નિપુણતા મેળવી છે, વારસાનું જતન કર્યું છે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મજબૂત પગલાં લીધાં છે."
આ પ્રોજેક્ટ્સનું પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન
વારાણસીમાં જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેમાં ગ્રામીણ વિકાસ પર કેન્દ્રિત યોજનાઓનો સમાવેશ થાય છે, જેમાં 130 પીવાના પાણીના પ્રોજેક્ટ્સ, 100 નવા આંગણવાડી કેન્દ્રો, 356 પુસ્તકાલયો, પિંદ્રા ખાતે એક પોલિટેકનિક કૉલેજ અને એક સરકારી ડિગ્રી કૉલેજનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ પોલીસ લાઇન ખાતે ટ્રાન્ઝિટ હોસ્ટેલ અને રામનગર ખાતે પોલીસ બેરેક અને ચાર ગ્રામીણ રસ્તાઓનું પણ ઉદ્ઘાટન કર્યું.
શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતા મોદીએ 'શાસ્ત્રી ઘાટ' અને 'સામને ઘાટ' ખાતે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રેલ્વે અને વારાણસી વિકાસ સત્તામંડળ (VDA) દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સુંદરીકરણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કર્યું.જે પ્રોજેક્ટ્સની આધારશિલા રાખવામાં આવી, તેમાંથી 25 પ્રોજેક્ટ્સ 2,250 કરોડ રૂપિયાના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે. આમાં 15 નવા સબસ્ટેશનનું બાંધકામ, નવા ટ્રાન્સફોર્મરનું સ્થાપન અને 1500 કિલોમીટર નવી પાવર લાઇન નાખવાનો સમાવેશ થાય છે. ચોકઘાટ નજીક એક નવું 220 kV સબસ્ટેશન પણ બનાવવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય 24 કલાક અવિરત વીજ પુરવઠો પૂરો પાડવાનો છે.