PM મોદી અને સ્વિસ પ્રમુખ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક
Live TV
-
સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિન પત્ની કેરોલિન સાથે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી... વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે પણ સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિન સાથે મુલાકાત કરી
સ્વિસના પ્રમુખ ગી પાર્મેલિને નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે PM મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ પહેલાં પ્રમુખ ગી પાર્મેલિન પત્ની કેરોલિન સાથે રાજઘાટ ગયા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે પણ સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિન સાથે મુલાકાત કરી. ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ભારત-EFTA TEPAની સંભાવનાઓને આગળ વધારતા બંને દેશો વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં પ્રમુખ પાર્મેલિનના વિચારો પ્રશંસનીય છે.
“ભાગીદારીને મજબૂત કરવાની મહત્વપૂર્ણ તક”
સ્વિસ પ્રમુખ ગી પાર્મેલિને કહ્યું કે, તેમની ભારત યાત્રા બંને દેશો વચ્ચેની લાંબા સમયથી ચાલી આવતી અને ગાઢ ભાગીદારીને વધુ મજબૂત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે, ભારત અને સ્વિટ્ઝર્લેન્ડના સંબંધો સહિયારા લોકતાંત્રિક મૂલ્યો, વિશ્વાસ અને પરસ્પર સન્માન પર આધારિત છે.
TEPAની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી
પ્રમુખ પાર્મેલિને ભારત-EFTA વેપાર અને આર્થિક ભાગીદારી કરાર એટલે કે TEPAની પ્રથમ વર્ષગાંઠનો પણ ખાસ ઉલ્લેખ કર્યો. ભારત અને ચાર EFTA દેશો—આઇસલેન્ડ, લિખટેન્સ્ટાઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે આ કરાર થયો છે. 10 માર્ચ 2024ના રોજ હસ્તાક્ષર કરાયેલ TEPA 1 ઓક્ટોબર 2025થી અમલમાં આવ્યો હતો.
વેપાર, રોકાણ અને ટેક્નોલોજી પર સહયોગ
PM મોદીના આમંત્રણ પર ત્રણ દિવસની રાજકીય યાત્રાએ આવેલા પ્રમુખ પાર્મેલિનની મુલાકાત દરમિયાન વેપાર, રોકાણ, વિજ્ઞાન, ટેક્નોલોજી, નવીનતા અને કુશળ માનવબળની અવરજવર જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર રહેશે. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બિઝનેસ લીડર્સનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. 7 ઓક્ટોબરે તેઓ બીજા ભારત-EFTA પ્રોસ્પેરિટી સમિટમાં ભાગ લેશે.... વિદેશ મંત્રાલય અનુસાર, EFTA દેશોમાં સ્વિટ્ઝર્લેન્ડ ભારતનો સૌથી મોટો વેપાર અને રોકાણ ભાગીદાર છે.
