RBIએ રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો લીધો નિર્ણય, સતત 7મી વખત વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં
Live TV
-
નવી દિલ્હી, 05 એપ્રિલ: શુક્રવારે RBI ગવર્નર શક્તિકાંત દાસ દ્વારા નવી નાણાકીય નીતિની જાહેરાત કરવામાં આવી છે. RBIએ રેપો રેટને 6.5% પર રાખવાનો નિર્ણય લીધો છે. આ સાતમી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લી વખત ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વ્યાજ દરોની સમીક્ષા કરવા માટે આરબીઆઈ MPCની બેઠક 3 એપ્રિલથી 5 એપ્રિલની વચ્ચે યોજાઈ હતી, જેમાં 6માંથી 5 MPC સભ્યોએ બહુમતીના આધારે વ્યાજ દરોમાં ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો.
રેપો રેટ સિવાય SDF અને MSFમાં કોઈ ફેરફાર કરાયો નથી
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, મૉનેટરી પોલિસીને લઈને વિથડ્રોલ ઑફ અકોમડેશન વલણને MPCએ યથાવત રાખ્યો છે. મોંઘવારી ઘટી રહી છે અને અર્થતંત્રની સ્થિતિ મજબૂત થઈ નથી. રેપો રેટ સિવાય SDF અને MSFમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આને 6.25% અને 6.75% પર યથાવત રાખવામાં આવ્યા છે.
રિયલ GDP વૃદ્ધિ 7.6% રહેશે
શક્તિકાંત દાસે વધુમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે રિયલ GDP વૃદ્ધિ 7.6% રહેવાનો અંદાજ છે. સાથે જ જણાવ્યું કે મજબૂત GDPનું કારણ મજબૂત મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર છે. ફેબ્રુઆરી અને માર્ચમાં PMI 60થી ઉપર રહ્યો છે, જે 16 વર્ષમાં સૌથી વધુ છે. નાણાકીય વર્ષ 2025માં ફુગાવાનો દર 4.5% રહેવાનો અંદાજ છે. વધુ માહિતી આપતાં ગવર્નરે કહ્યું કે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વપરાશ મજબૂત રહે છે. રવિ સિઝનમાં બમ્પર ઉત્પાદનને કારણે મોંઘવારી ઘટી શકે છે. જો કે, વૈશ્વિક પડકારો અને સામાન્ય તાપમાન કરતાં વધુ હોવાને કારણે ચોક્કસપણે કેટલાક પડકારો હશે.