PM મોદી આજે રાજસ્થાનમાં જનસભાને સંબોધશે, ચુરુમાં ભાજપના ઉમેદવાર માટે કરશે પ્રચાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે છે. તેઓ રાજ્યની સૌથી હોટેસ્ટ સીટ શેખાવતીના ચુરુમાં ભાજપની તરફેણમાં પ્રચાર કરશે. ભાજપે પદ્મશ્રીથી સન્માનિત પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દેવેન્દ્ર ઝાઝરિયાને ચુરુ બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. પીએમ મોદી દેવેન્દ્ર ઝાઝરિયા માટે વોટ માટે અપીલ કરશે અને જનસભાને સંબોધશે. દેવેન્દ્ર ઝાઝરિયા ચુરુ બેઠક પરથી ભાજપ સામે બળવો કરીને કોંગ્રેસમાં જોડાયેલા રાહુલ કાસવાન સામે ચૂંટણી લડી રહ્યા છે. ચુરૂ લોકસભા ક્ષેત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનસભામાં લાખો લોકો ઉમટે તેવી શક્યતા છે.
ચૂરુ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર
ઉલ્લેખનીય છે કે, શેખાવતી વિસ્તાર ભાજપ માટે પડકાર બની રહ્યો છે. આ પ્રદેશમાંથી છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 17 વિધાનસભા બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીતી હતી. અગાઉની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ભાજપને સારી લીડ મળતી હતી. જો કે, આ વખતે બંને પક્ષ વચ્ચે કાંટની ટક્કર જોવા મળશે. આ વખતે ભાજપે તેના બે વખતના સાંસદ રાહુલ કાસવાનની ટિકિટ રદ કરી છે. તેમની જગ્યાએ દેવેન્દ્ર ઝાઝરિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આનાથી નારાજ રાહુલ કાસવાન બળવો કરીને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ પાર્ટીએ તેમને ચુરુ બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા.