RBIની જાહેરાત, 1 ડિસેમ્બરથી શરૂ થશે ડિજિટલ રૂપિયા માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ
Live TV
-
આ પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર સહિત ચાર શહેરોને આવરી લેશે.
ભારતીય રિઝર્વ બેંકે 1 ડિસેમ્બરથી રિટેલ ડિજિટલ રૂપિયા માટે પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. RBIની યાદી અનુસાર, તેમાં તબક્કાવાર ભાગીદારી માટે આઠ બેંકોને સાંકળવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ચાર શહેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), આઈસીઆઈસીઆઈ બેંક (ICICI), યસ બેંક (YES Bank) અને આઈડીએફસી ફર્સ્ટ બેંક(IDFC First Bank) કામ શરૂ કરશે. બેંક ઓફ બરોડા (BOB), યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank Of India), એચડીએફસી બેંક (HDFC) અને કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank) સહિત ચાર વધુ બેંકો ત્યારબાદના પાઇલટ પ્રોજેક્ટમાં જોડાશે.
આ પાયલોટ પ્રોજેક્ટ શરૂઆતમાં મુંબઈ, નવી દિલ્હી, બેંગલુરુ અને ભુવનેશ્વર સહિત ચાર શહેરોને આવરી લેશે અને બાદમાં અમદાવાદ, ગંગટોક, ગુવાહાટી, હૈદરાબાદ, ઈન્દોર, કોચી, લખનૌ, પટના અને સિમલામાં અમલી બનશે. આ પ્રોજેક્ટમાં વપરાશકર્તા જૂથમાં પસંદગીના સ્થાનોને આવરી લેશે જેમાં સહભાગી ગ્રાહકો અને વેપારીઓનો સમાવેશ થાય છે. ડિજિટલ રૂપિયો ડિજિટલ ટોકનના સ્વરૂપમાં હશે જે કાનૂની ચલણ તરીકે રહેશે. વપરાશકર્તાઓ મોબાઈલ ફોનમાં ડિજિટલ વોલેટ દ્વારા ડિજિટલ રૂપિયામાં નાણા વ્યવહાર કરી શકશે. વેપારી સ્થાનો પર QR કોડનો ઉપયોગ કરીને વેપારીઓને ચૂકવણી કરી શકાય છે. ડિજિટલ રૂપિયો ભૌતિક રોકડ જેવી સુવિધાઓ પ્રદાન કરશે.