આજે દેશની પ્રથમ મહિલા અવકાશ યાત્રી કલ્પના ચાવલાની પુણ્યતિથિ
Live TV
-
અવકાશમાં જનારી પ્રથમ ભારતીય મહિલા અને દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણાસ્ત્રોત બનનારી કલ્પના ચાવલાએ 1 ફેબ્રુઆરી 2003ના રોજ દુનિયાને અલવિદા કહી હતી. કલ્પનાએ ન માત્ર અંતરિક્ષની દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી પરંતુ તમામ લોકોને પોતાના સપના જીવતા શીખવાડ્યું. કલ્પનાએ એ કરી દેખાડ્યું જે માત્ર ભારત જ નહીં દુનિયાભરની મહિલાઓ માટે પ્રેરણાદાયી હતું.
17 માર્ચ 1962ના રોજ કરનાલમાં બનારસી લાલ અને માતા સંજયોતીના ઘરમાં જન્મેલી કલ્પના ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેણે પ્રાથમિક શિક્ષણ કરનાલના ટાગોર બાલ નિકેતનમાંથી લીધું. કલ્પનાએ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પિતા આગળ એન્જિનિયર બનવાની ઈચ્છા રજૂ કરી, પરંતુ પિતા તેને ડૉક્ટર અથવા ટીચર બનાવવા માગતા હતા.
સ્કૂલ પૂરી કર્યા બાદ કલ્પનાએ 1982માં ચંડીગઢ કૉલેજમાંથી એરોનૉટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી લીધી અને 1984માં ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કલ્પના પોતાના કૉલેજકાળના ફ્રેન્ડ પિઅરે હેરિસન સાથે ડિસેમ્બર 1983માં લગ્ન કર્યા હતા.
કલ્પના બાળપણથી જ અવકાશ અને ખગોળશાસ્ત્રમાં ખૂબ રુચિ ધરાવતી હતી. તે અવારનવાર પિતાને અંતરિક્ષયાન અને અંતરિક્ષની દુનિયા વિશે સવાલો કરતી હતી. અને જિજ્ઞાસુ બનીને પૂછતી કે, શું હું પણ ઉડી શકું? 1988માં કલ્પનાનું સપનું સાકાર થયું અને તેણે અવકાશ સંશોધનમાં દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત NASA માટે કામ કરવાનું શરૂ કર્યુ. 1995માં તે નાસાના અંતરિક્ષ યાત્રી તરીકે શામેલ થઈ અને 1998માં તેને પોતાની પ્રથમ ઉડાન માટે પસંદ કરવામાં આવી. ખાસ વાત એ રહી કે, તે અંતરિક્ષમાં જનારી સૌપ્રથમ ભારતીય મહિલા બની.
કલ્પનાએ પોતાની પ્રથમ અવકાશ યાત્રા STS87 કોલમ્બિયા શટલમાં કરી હતી જેનો સમયગાળો 19 નવેમ્બરથી 1997થી 5 ડિસેમ્બર 1997 સુધીનો હતો. આ ઉડાનમાં કલ્પનાએ 1.04 કરોડ માઈલ્સની યાત્રા કરી હતી અને પૃથ્વીની 252 પરિક્રમાઓ સાથે અવકાશમાં 360 કલાકનો સમય વિતાવ્યો હતો.
આ મિશન સફળ થયા બાદ કલ્પનાએ કોલમ્બિયા શટર 2003 દ્વારા પોતાની બીજી અંતરિક્ષ ઉડાન ભરી. યાન પાછું ફરતું હતું ત્યારે પૃથ્વી સાથે ઘર્ષણમાં આવવાને કારણે તેમા આગ લાગી ગઈ હતી અને કલ્પના સહિત તેના 6 સાથીઓ આ ઘટનાના શિકાર બન્યા હતા. પૃથ્વીની ભ્રમણ કક્ષામાં આવતા જ યાન સળગી ઉઠ્યું હતું અને આખા ટેક્સાસ શહેર પર ટૂકડા બનીને વરસી પડ્યું હતું.
