આજે વિશ્વ રેડિયો દિવસ: જાણો રેડિયો દિવસ અંગેની વિશેષ બાબતો
Live TV
-
આજે વિશ્વ રેડિયો દિવસ છે. આજના જ દિવસે વર્ષ 1946 માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. રેડિયોના મહત્વ અંગે લોકો અને મિડિયામાં જાગૃતતા વધારવા તેમજ રેડિયોના માધ્યમથી સમાચારને પ્રોત્સાહીત કરવા માટે દર વર્ષે 13 ફેબ્રુઆરીના રોજ રેડિયો દિવસ મનાવવામાં આવે છે. યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડે જનરલ કોન્ફરન્સને વિશ્વ રેડિયો દિવસ જાહેર કરવાની ભલામણ કરી હતી. 2011 માં યુનેસ્કોએ એક વ્યાપક પરામર્શ પ્રક્રિયા હાથ ધરી હતી. વર્ષ 1946 માં યુનાઇટેડ નેશન્સ રેડિયોએ આખરે પ્રથમ કોલસાઇન પ્રસારિત કર્યું હતું. આખરે યુનેસ્કોના 36 માં સત્રમાં 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ દિવસ રેડિયોની તે અનોખી શક્તિની યાદ અપાવે છે, જે દીલને સ્પર્શે છે અને દુનિયાના દરેક ખુણેથી લોકોને એક સાથે લાવે છે.
પહેલા માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો. પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થતો. તે છતાં રેડિયોનું મહત્વ આજે પણ ઓછું થયું નથી. આજે પણ એક વર્ગ એવો છે જે નિયમિત રેડિયો સાંભળે છે. જો કે 1975 ના સમયમાં રેડિયો માટે લાયસન્સ પણ લેવું પડતું હતું. ઘણા લોકો પાસે એક યાદગીરી તરીકે આજે પણ આવા લાયસન્સ છે.
આ વર્ષે વિશ્વ રેડિયોની થીમ "રેડિયો અને વિશ્વાસ" રાખવામાં આવી છે. રોયટર્સના હાલના સર્વેક્ષણ પ્રમાણે આકાશવાણી રેડિયોની સૌથી વિશ્વસનીય બ્રાન્ડ છે. આ અવસરે આકાશવાણી સવારે 9.30 કલાકથી 10.00 કલાક સુધી 102.6 મેગાહટ પર FM રેડિયો પર અડધા કલાકના ઓપન ફોરમનું આયોજન કર્યું હતું.
વર્ષ 1965 માં જ્યારે યુદ્ધ થયું, ત્યારે આકાશવાણી દ્વારા દેશના જવાનો માટે "સ્પેશિયલ જય ભારતી" નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. 50 વર્ષથી પણ વધારે સમય થઇ ગયો હોવા છતાં હજુ પણ આ કાર્યક્રમ ચાલુ છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ રેડિયોના માધ્યમથી જન જન સુધી પહોંચવા પ્રત્યેક માસના છેલ્લા રવિવારે "મન કી બાત" કાર્યક્રમ કરે છે, જેમાં તેઓ તેમના વિચારો થકી રાષ્ટ્ર વિકાસ માટે યોજનાઓ તથા માહિતીનું આદાન પ્રદાન કરે છે. સમગ્ર વિશ્વમાં ક્રાંતિ આવતા રેડિયો, સમાચારનું માધ્યમ બન્યું હતું. રેડિયોના જનજાગૃતિ અને મનોરંજનના કાર્યક્રમોથી દરેક દેશ પોતાની સંસ્કૃતિની ધરોહરનો પ્રચાર પ્રસાર કરે છે. સરકારે પણ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવા માટે મંજૂરી આપી છે. ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ખેડૂત વિષયક તેમજ સમાજ વિષયક તમામ માહિતીઓ અને મનોરંજનના કાર્યક્રમો દ્વારા સામુદાયિક રેડીયો ચલાવવામાં આવે છે.
