આજે સંત શ્રી જલારામ બાપાની 141 મી પુણ્યતિથિ
Live TV
-
સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. જલારામ બાપા પોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વીતાવી દીધું હતું.
જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું.
૧૮૧૬ની સાલમાં ૧૬ વર્ષની ઊંમરે તેમના લગ્ન આટકોટના પ્રાગજીભાઈ ઠક્કરની પુત્રી વીરબાઈ સાથે કરવામાં આવ્યાં. વીરબાઈ પણ ધાર્મિક અને સંતઆત્મા હતા આથી તેમણે પણ જલારામ બાપા સાથે સંસારીવૃત્તિઓથી વિરક્ત રહી ગરીબો અને જરૂરિયાતમંદોની સેવાના કાર્યમાં ઝંપલાવી દીધું. ૧૮ વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના ફતેહપુરના ભોજા ભગતના અનુયાયી બન્યા. ભોજા ભગતે તેમને "ગુરુ મંત્ર", માળા અને શ્રી રામનું નામ આપ્યું.
ગુરુના આશીર્વાદથી તેમણે 'સદાવ્રત'ની શરૂઆત કરી. સદાવ્રત એ એવું સ્થળ છે કે જ્યાં સાધુ-સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના બારે મહિના અને ૨૪ કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે. દુનિયાભરમાં ચાલતા સદાવ્રતો ઘણા છે, પરંતુ વીરપુરનું સદાવ્રત ખાસ અને અલગ છે. જલારામબાપા અને વીરબાઈ માંએ સંવત 1876 ના મહાસુદ બીજના દિવસે આ સદાવ્રતની શરૂઆત કરી હતી. બાપા અને માં મજૂરી કરીને જે પૈસા કમાય તેમાંથી સેવા સાથે સાથે ભૂખ્યા અને સંતોના પેટની ભૂખ સંતોષતા હતા અને ભોજન કરાવતા હતા. તેમના વંશજોએ બાપા જલારામ અને માં વીરબાઈ માંના આ યજ્ઞને તેનાથી પણ આગળ વધાર્યું. હરિરામ બાપાના પુત્ર શ્રી જેયશુંખરામ બાપા અને વીરપુરના પૂર્વ ગાદીપતિએ નક્કી કર્યું કે અહીં ભેટ સોગાદ કે દાન લેવું નહિ. જેથી આજે પણ અહીં કોઈ પણ જાતનું દાન કે ભેટ સોગાદ લેવાતા નથી. છતા આજે પણ આ સદાવ્રત અવરિતપણે કાર્યરત છે.
એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારી અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી. ત્યાર બાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી. વીરપુર આવતા દરેક વ્યક્તિને નાતજાત કે ધર્મના ભેદ વગર બાપા દ્વારા ભોજન અપાતું. આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની આ પરંપરા ચાલુ છે. ભારત બહાર તેમના મંદિરો પૂર્વ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને ન્યુઝિલેન્ડમાં પણ જોવા મળે છે.
23 ફેબ્રુઆરી 1881 ના રોજ ભજન ગાતા ગાતા જલારામ બાપા વૈકુંઠ વાસી થયા હતા.
તેમના જન્મથી વૈકુંઠ વાસ સુધી બનેલી મહત્વની ઘટનાઓ:
જન્મ તારીખ: 04-11-1799, સોમવાર
વિક્રમ સવંત 1856ના કારતક સુદ સાતમ
માતા: રાજબાઈ ઠક્કર
પિતા: પ્રધાન ઠક્કર
જન્મ સ્થળ: ગામ વિરપુર
જનોઈ સસ્કાર સંવત: 1870
લગ્ન સંવત: 1872, આટકોટના પ્રાગજી સોમૈયાની સુપુત્રિ વીરબાઈમાં સાથે
સંતાન: એક દીકરી જમનાબેન
સંવત 1876, મહા સુદી-ર તારીખ 18-11-1820 સોમવારના શુભ દિવસે સદાવ્રતની શરૂઆત કરી
સંવત 1886, સાધુ સ્વરૂપે ભગવાન આવ્યા વીરબાઈમાની માંગણી કરી છેવટે જોળી ધોકો આપ્યા
સંવત 1901, જામનગર મહારાજા રમલજીના દરબારમા બાપાના હાથે વસ્ત્ર દાન વસ્ત્રો ખુટયા જ નહી.
સંવત 1934, થાણા ગાલોળ ગામના જીવરાજ વડાલિયાની ખાલી કોઠીયો બાપાની લાકડીના સ્પર્શથી અનાજથી ભરાઈ ગઈ
સંવત 1835, કારતક વદી નોમ સોમવાર તારીખ 18-11-78 વીરબાઈમાનો વૈકુંઠ વાસ
સંવત 1837, બુધવારે તારીખ 23/02/1881 ભજન ગાતા ગાતા જલારામબાપાનો વૈકુંઠ વાસ
