ઇડરના કુકડીયા ગામની મહિલાઓ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી આત્મનિર્ભર બની
Live TV
-
ઇડરના કુકડીયા ગામની મહિલાઓ ઇકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાઓ બનાવી આત્મનિર્ભર બની
ગણેશ ચતુર્થીના તહેવારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સાબરકાંઠાના ઇડર તાલુકાના કુકડીયા ગામની મહિલાઓ ઇકો-ફ્રેન્ડલી ગણેશની પ્રતિમાઓ બનાવીને આર્થિક રીતે સદ્ધર બની રહી છે.
ત્રણ વર્ષ પહેલાં રાજ્ય સરકાર દ્વારા આ ગામની મહિલાઓને માટીકામની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમના પરિણામે, ગામની 10 મહિલાઓનું જૂથ પર્યાવરણને અનુકૂળ એવી માટીની ગણેશ પ્રતિમાઓ બનાવી રહ્યું છે, જે તેમને સારી એવી કમાણી કરી આપે છે.
આ પ્રતિમાઓની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે માટીમાંથી બનેલી છે અને તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક રંગોનો ઉપયોગ થતો નથી. વિસર્જન બાદ આ માટીનો ફરીથી બાગ-બગીચા કે અન્ય કામો માટે ઉપયોગ કરી શકાય છે. આ મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાઓને કારણે પર્યાવરણ જાગૃતિ પણ ફેલાઈ રહી છે. હવે લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓને બદલે આવી ઇકો-ફ્રેન્ડલી પ્રતિમાઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે, જે પર્યાવરણની સુરક્ષા માટે સકારાત્મક પગલું છે.
આ પ્રયાસથી કુકડીયા ગામની મહિલાઓ માત્ર આત્મનિર્ભર જ નથી બની, પરંતુ પર્યાવરણની જાળવણીના સંદેશને પણ મૂર્તિમંત કરી રહી છે.
