એકતા નગર બદલાયું: આદિવાસીઓના આર્થિક સશક્તિકરણનું વૈશ્વિક મોડલ બન્યું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'
Live TV
-
એકતા નગર બદલાયું: આદિવાસીઓના આર્થિક સશક્તિકરણનું વૈશ્વિક મોડલ બન્યું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (Statue of Unity) આજે માત્ર દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર જ નથી રહી, પરંતુ તે સ્થાનિક આદિવાસી સમાજ માટે આર્થિક આત્મનિર્ભરતા અને ગૌરવનું એક સબળ પ્રતીક બનીને ઉભરી આવી છે. વર્ષ ૨૦૧૮માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ, આ સમગ્ર વિસ્તારનો કાયાકલ્પ થઈ ગયો છે.
6 વર્ષમાં 26 થી વધુ નવા પ્રોજેક્ટ્સનો ધમધમાટ
આ સરહદી અને આદિવાસી બહુલ વિસ્તારમાં પ્રવાસનને વેગ આપવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ 26 થી વધુ અદભૂત અને વૈવિધ્યસભર પ્રવાસન પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા છે. જેમાં જંગલ સફારી, ગ્લો ગાર્ડન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને ક્રૂઝ સર્વિસ જેવા આકર્ષણોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સના કારણે આખું કેવડિયા આજે વૈશ્વિક કક્ષાના 'એકતા નગર' તરીકે પ્રસ્થાપિત થયું છે.
મજૂરીકામ કરતા આદિવાસીઓ બન્યા ગાઈડ અને હોસ્પિટાલિટી પ્રોફેશનલ્સ
આ પ્રોજેક્ટની સૌથી મોટી અને સકારાત્મક અસર સ્થાનિક રોજગારી પર પડી છે. અગાઉ સામાન્ય ખેતી કે મજૂરીકામ પર નિર્ભર સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓ આજે હાઇ-ટેક પ્રવાસી ગાઈડ તરીકે વિદેશી પ્રવાસીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્થાનિક મહિલાઓ અને પુરુષોને સુરક્ષા, હોસ્પિટાલિટી, ઈ-રિક્ષા ડ્રાઈવિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે વિશેષ ટ્રેનિંગ આપીને સન્માનજનક અને કાયમી રોજગારી પૂરી પાડવામાં આવી છે.
'દેખો અપના દેશ': રાષ્ટ્રનિર્માણમાં પ્રવાસીઓનું મોટું યોગદાન
PM નરેન્દ્ર મોદીના 'દેખો અપના દેશ' ના આહવાનને ઝીલીને આજે દેશભરમાંથી લાખો પ્રવાસીઓ દર વર્ષે એકતા નગરની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસીઓમાં પણ હવે એક નવો રાષ્ટ્રભાવ જાગ્યો છે કે, વિદેશ પ્રવાસ પાછળ લાખો રૂપિયા ખર્ચવાને બદલે દેશના જ પ્રવાસન સ્થળોની મુલાકાત લેવી જોઈએ. આનાથી 'દેશનો પૈસો દેશમાં જ રહેશે' અને સ્થાનિક ગરીબ પરિવારોના આર્થિક ઉત્થાન દ્વારા રાષ્ટ્રનિર્માણમાં સીધું યોગદાન આપી શકાશે.
એકતા અને સમૃદ્ધિની મિસાલ:
સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સાબિત કરી દીધું છે કે દેશના મહાપુરુષોના સ્મારકો માત્ર ઈતિહાસને જીવંત નથી રાખતા, પરંતુ તે ભવિષ્યની પેઢી માટે વિકાસ અને આત્મનિર્ભરતાના નવા દ્વાર પણ ખોલે છે.
