ગાંધીનગરની માતાપુત્રીની જોડીએ ‘’રસોઈ વિશ્વ કપ સ્પર્ધા 2023’’માં વિશ્વ ફલક પર ‘’ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ’’ સાથે ભારતને અપાવ્યું ગૌરવ
Live TV
-
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ખૂબ જ ગૌરવભેર કહી શકાય કે આપણા દેશની મહિલાઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. રમતગમત, સાહિત્યથી માંડી અંતરીક્ષ સુધી કોઈ પણ ક્ષેત્રે જુઓ, મહિલાઓનો ફાળો જોવા મળેજ છે. હવે તો દેશના સુરક્ષા દળોમાં પણ મહિલાઓએ પોતાની હિસ્સેદારી નોંધાવી છે, ત્યારે એક ગૃહિણી કેમ બાકી રહે! આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે એક એવી જ માતા-પુત્રીની જોડી વિશે વાત કરવી છે. જેમણે વિશ્વ ફલક પર પોતાની કેક આર્ટ દ્વારા ભારતને એક વધુ સન્માન અપાવ્યું છે. આ જોડી એટલે કનીનિકા મહેતા અને તેમની દીકરી ઝલ્લરી મહેતા. હાલમાં જ કનીનિકા મહેતાને ‘’રસોઈ વિશ્વ કપ સ્પર્ધા 2023’’ માટે નિર્ણાયક તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં 95 દેશનાં 750થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મલેશિયા બેરસાતુ ક્યુલીનરી એસોસિયેટ દ્વારા આયોજિત 18 થી વધુ વાનગીઓ, બેકિંગ કેટેગરીમાં મલેશિયા ખાતે તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને ઇન્ટરનેશનલ જજ ની ભૂમિકા પણ અદા કરી.જે માત્ર ગાંધીનગર જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
‘’રસોઈ વિશ્વ કપ સ્પર્ધા 2023’’ એ વિશ્વની સૌથી મોટી સ્પર્ધા તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ જીત્યો અને આ સ્પર્ધામાં ભારતની ટીમે સૌથી વધુ મેડલ હાંસલ કરી ‘’ઇન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન ટાઇટલ’’ સાથે ભારતને ગૌરવ અપાવ્યું. આ જ સ્પર્ધામાં તેમની દીકરી ઝલ્લરી મહેતાએ 3D કેકમાટે ગોલ્ડ મેડલ મેળવી એક નવી સિદ્ધિ ઉમેરી છેકેક એક વિદેશી વાનગી છે, અને વિદેશની ધરતી પર જઈ તેમનીજ વિદેશી વાનગીનું સર્વોચ્ચ પ્રદર્શન કરી આ દીકરીએ ગાંધીનગર જિલ્લાને ગૌરવાન્વિત કર્યો છે. ઝલ્લરી ગાંધીનગરની પી.કે ચૌધરી મહિલા કોલેજ, હોમ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે છે. અને સાથે-સાથે તેના ફોટોગ્રાફીના પ્રોફેશનને પણ આગળ ધપાવી રહી છે. 20 વર્ષની નાની વયે વિદેશની ધરતી પર જઈ રસોઈ કળામાં ગોલ્ડ મેડલ લાવી આ દીકરીએ સાબિત કર્યું છે કે ‘જહાં ચાહે હૈ,વહાં રાહ હૈ.’ જ્યારે યુવાધન માત્ર વ્હાઇટ કોલર જોબ અથવા સ્પોટ્સ કે ફેશન પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાની અંદર પડેલી આવડતને મારી નાખે છે, ત્યારે આ દીકરીએ પોતાની કળા ને પારખી રસોઈ ક્ષેત્રે આગળ વધી. જે ખૂબજ સરાહનીય છે. ઝલ્લરી આ સફળતાનો શ્રેય માતા-પિતા અને પોતાના શિક્ષકોને આપતા જણાવે છે કે, ‘મારા મમ્મી પાસેથી હું આ કેક બનાવવાની કળા શીખી છું, અને મારા મમ્મી તથા શિક્ષકોની પ્રેરણા થકી આજે મને આ સફળતા મળી છે.’
કનીનિકા મહેતા સાથે તેમની સફળતા અંગે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, તેઓ પણ શ્રી પી.કે ચૌધરી મહિલા કોલેજના જ વિદ્યાર્થીની છે. તેઓ મુખ્ય અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયા અને વોલીબોલના નેશનલ પ્લેયર પણ રહી ચૂક્યા છે. લગ્ન બાદ બધું છૂટી જતા તેમને કંઈક નવું કરવાની ઈચ્છા જાગી. તેમણે ગૃહિણીના જ હથિયાર ‘રસોઈ કળા’ થકી આગળ વધવાનું નક્કી કર્યું અને બેકરી સેફ ની ડિગ્રી મેળવી. શરૂઆતમાં ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો. પણ તેઓ હારી ન ગયા અને આ કામ ચાલુ જ રાખ્યું. અંતે તેમની મહેનત રંગ લાવી. આજે માત્ર ગાંધીનગર જિલ્લામાંજ નહીં પણ સમગ્ર ભારતમાં જેટલા કેક આર્ટિસ્ટ છે, તેમાં તેમનું નામ પ્રથમ હરોળમાં સામેલ છે.તેઓ ગાંધીનગર ખાતે કુક વિથ કનિનીકા’ બેકિંગ સંસ્થાના સ્થાપક છે. તથા બેકરી સેફ, ભારતીય અને આંતરરાષ્ટ્રીય વેજ ભોજન ના ટ્રેનર અને શિલ્પ કેક કલાકાર છે.
કેક માસ્ટર્સ ઈન્ડિયા, કેક ધ ગ્રેટ મેગેઝીન, બેકર્સ ઈન પ્રિન્ટ ઈન ઇન્ડિયા મેગેઝીન વગેરે જેવા ઘણા ઇન્ટરનેશનલ મેગેઝીન્સમાં કનિનીકા ના કેક પ્રકાશિત થયા છે. તથા તેમની વાનગીઓ ઘણી વખત જાણીતા મેગેઝીન ‘ક્યુલીનરી એન્ટરપ્રિન્યોર’માં પણ પ્રકાશિત થઈ છે. ઉપરાંત ઘણા બધા લાઈવ પ્રોગ્રામમાં પણ તેમણે કામ કર્યું છે. છેલ્લા ચાર વર્ષથી ‘ખાદ્ય ખોરાક ફૂડ એક્ઝિબિશન’ સાથે તેઓ સંકળાયેલા છે. અને જિલ્લા તથા રાજ્યમાં રસોઈ તથા કેક મેકિંગ સ્પર્ધા નું આયોજન કરે છે. તેમણે 2021 માં શો સ્ટોપર તરીકે ભારતની સૌથી ઊંચી, 10 ફિટ ઉંચી વેડિંગ કેક બનાવી હતી. 2021 માંજ આઠ ફૂટ ઊંચું ગ્રેવિટી કેકનું શિલ્પ ‘YOGI’ બનાવ્યું. 2022 માં ખાદ્ય ખોરાક ફૂડ એક્ઝિબિશન માટે વિશ્વની સૌપ્રથમ 8’’ /6’’ ફૂટ ઊંચી એડેબલ ફ્રેમ ‘ઝાંસી કી રાની’ બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઉપરાંત 2019 માં કેક મેરેથોનમાં તેમણે શિલ્પ કેક બનાવવાની કેળવણી પણ આપી હતી. તેઓ ‘અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન’માં ફેકલ્ટી જજ પણ છે.
એક સમયે માત્ર ગૃહિણી તરીકેની ઓળખ ધરાવનાર કનીનિકા મહેતા આજે વિશ્વ સ્તરે કુકિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી મોટી સફળતા અપાવી છે.તેઓ જે કુકિંગના ઓનલાઇન ક્લાસ ચલાવે છે તેમાં સમગ્ર વિશ્વમાંથી 50,000 થી વધુ વિદ્યાર્થીઓ તેમની સાથે જોડાઈ સફળતા પૂર્વક આ કળા શીખી ચૂક્યા છે. તેઓ ‘વર્લ્ડ માસ્ટર કેક એસોસિએશન’ના સભ્ય પણ છે.એક ગૃહિણી ઘરમાં રહીને પણ પોતાનું, પોતાના પરિવારનું અને પોતાના દેશનું નામ રોશન કરી શકે છે તેનું ઉત્તમ ઉદાહરણ આ માતા પુત્રીની જોડી છે,જેઓ પોતેતો સફળ રહ્યાં, અને ઘણી મહીલાઓ માટે પ્રેરક પણ બન્યાં. તેઓ મહિલાઓને પ્રેરણા આપતા જણાવે છે કે, “પોતાનામાં વિશ્વાસ રાખો,તમે જે કરવા માંગો છો તે તમે કરીજ શકો છો.સમય વ્યવસ્થાપન એ તમારી સફળતાની મુખ્ય ચાવી છે”