Skip to main content
Settings Settings for Dark

ગુજરાતનો વિકાસ એ સાડા છ કરોડ ગુજરાતીઓનાં વિશ્વાસનો પડઘો: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી

Live TV

X
  • ગુજરાતનો વિકાસ એ સાડા છ કરોડ ગુજરાતીઓનાં વિશ્વાસનો પડઘો છે તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતુ. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” થકી આજે ગુજરાતની વણથંભી વિકાસયાત્રા સર્વોચ્ચ શિખરે પહોંચી છે. ગુજરાતને વિકાસની નવતર બુલંદીઓ ઉપર પહોંચાડવા માટે છેલ્લા બે દશકમાં થયેલા પ્રયાસોની પ્રતીતિ સૌ નાગરિકોને થઈ છે.

    દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આપવામાં આવેલા મંત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ” ને ચરિતાર્થ કરતાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમનાં સતત પરિશ્રમનાં કારણે આજે આ મંત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ” થકી આજે ગુજરાતની વણથંભી વિકાસયાત્રા સર્વોચ્ચ શિખરે પહોંચી છે. ‘વિશ્વાસથી વિકાસ’ તેમજ સુશાસન આપવાની અમારી ડબલ એન્જીનની સરકારની નેમ છે. આમ, ગુજરાતનો વિકાસ એ સાડા છ કરોડ ગુજરાતીઓનાં વિશ્વાસનો પડઘો છે. ગુજરાતને વિકાસની નવતર બુલંદીઓ ઉપર પહોંચાડવા માટે છેલ્લા બે દશકથી જે પ્રયાસો કરવામાં આવ્યા છે તેની જનજનને પ્રતીતિ છે તેમ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું.  

    નાણાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતનાં વેગવંતા વિકાસ માટે પાંચ સ્તંભીય અંદાજપત્ર રજુ કર્યુ તેના પર પોતાના વિચાર રજૂ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું કે, આ પાંચ સ્થંભીય અંદાજપત્રમાં પાયાની સુવિધાઓ સાથે સામાજિક સુરક્ષાઓ એ પહેલો સ્તંભ, માનવ સંસાધનનો વિકાસ કરવો એ બીજો સ્તંભ, વિશ્વ સ્તરીય આંતર માળખાકીય સવલતો ઉભી કરવી એ ત્રીજો સ્તંભ, તમામ ક્ષેત્રોમાં રોજગારની નવી તકોનું સર્જન કરવું એ ચોથો સ્તંભ અને પર્યાવરણની જાળવણી એ પાંચમો સ્તંભ છે.

    મંત્રીશ્રીએ કહ્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ રૂ.૫૫૮૦ કરોડની વિસ્તૃત જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. નિરાધાર વૃધ્ધો, વિધવા માટેની આર્થિક સહાય યોજના અંતર્ગત ૧૧ લાખ લાભાર્થીઓને માસિક પેંશન આપવા રૂ.૧૩૪૦ કરોડની જોગવાઈ ઉપરાંત અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિનાં આશ્રમશાળામાં રહેતાં ૧.૧૦ લાખ વિદ્યાર્થીઓના નિભાવ ભથ્થા માટે રૂ.૩૨૪ કરોડની જોગવાઈ, પી.એમ. યશસ્વી પ્રીમેટ્રીક અને પોસ્ટમેટ્રીક યોજના માટે દસ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટે રૂ.૫૬૨ કરોડની જોગવાઈ, આંબેડકર આવાસ યોજના અને પંડિત દિનદયાળ આવાસ યોજના માટે રૂ.૨૨૨ કરોડની જોગવાઈ જેવી અનેકવિધ જોગવાઈઓ અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ તેમજ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગનાં બાંધવો માટે રાજ્ય સરકારે કરી છે. અનુસૂચિત જાતિ કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જુદીજુદી શિષ્યવૃત્તિઓ, સાયકલ સહાય યોજનાઓ, ગણવેશ સહાય, ભોજન સહાય, વિદેશ અભ્યાસ લોન તેમજ વિવિધ કક્ષામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સમરસ છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.  તેવી જ રીતે માનવ ગરીમા યોજના, લોન સહાય યોજના, ધંધા-વ્યવસાય માટે વ્યાજ સહાય યોજના, મફત તબીબી સહાય, વિવિધ આવાસ યોજનાઓ જેવી અનેકવિધ આર્થિક ઉત્કર્ષની યોજનાઓ દ્વારા લોક કલ્યાણનાં હેતુથી સમાજનાં નબળા વર્ગોનાં અને વંચિતોનાં વિકાસ માટે આ સરકાર ઉત્કૃષ્ટ કામગીરી હાથ ધરી રહી છે.

    મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ રૂ.૩૪૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમ શાળાઓ અને એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલો માટે રૂ.૬૬૭ કરોડની જોગવાઈ શૈક્ષણિક ઉત્કર્ષ માટે કરાઈ છે. તેવી જ રીતે આદિવાસી ખેડૂત ભાઈઓ માટે આધુનિક કૃષિ યંત્રો, સિંચાઈની સુવિધા, ફોરેસ્ટ રાઈટસ એક્ટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય, મહીલા પશુપાલકોને સહાય, ખેડૂતોને ઈનપુટ કીટ આપવા, મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના માટે, અનુસૂચિત જનજાતિનાં લોકોને વ્યક્તિગત આવાસ સહાય માટે નાણાંકીય જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. આદિજાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય, આધુનિક સુવિધાઓથી સજ્જ આશ્રમ શાળા, રહેવા-જમવાની સુવિધા સાથેની ગ્રાન્ટ-ઈન-એઈડ છાત્રાલય, પશુપાલકોને વિવિધ સહાયકારી યોજનાઓ, ખેડૂતો માટે વિવિધ સહાયકારી યોજનાઓ, વિદ્યાર્થીનીઓને સાયકલ ભેટ, એમ.ફીલ, પી.એચ.ડી. માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે સહાય, બીરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટી માટે સહાય, ટી.બી., કેન્સર, રક્તપીત અને સીકલસેલ એનીમીયા માટે મફત તબીબી સહાય, અનુસૂચિત જનજાતિનાં યુવક યુવતિઓને રોજગારલક્ષી તાલીમ, સ્વરોજગાર માટે કીટ, આદિમ જુથ અને હળપતી પરિવારોને આવાસ અને રોજગારી માટે સહાય જેવી વિવિધ યોજનાઓ દ્વારા આદિજાતિ વર્ગોના બહુમુખી વિકાસ માટે પ્રશંસનીય કામગીરી સરકાર કરી રહી છે.

    મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય સાકાર થઈ શકે તે માટે    શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૨૫૩૮ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં બાંધકામ શ્રમિકોને કાર્યસ્થળ નજીક શ્રમિક બસેરા માટે રૂ.૫૦૦ કરોડ, આઈ.ટી.આઈ.નાં બાંધકામ અને સુદ્રઢીકરણ માટે રૂ.૨૩૯ કરોડ, અદ્યતન કુશળતા સાથેની મેગા આઈ.ટી.આઈ.માં રૂપાંતરણ માટે રૂ.૧૫૫ કરોડ, શ્રમિક અન્નપૂર્ણા યોજના, કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સીટી વિકાસ તથા વિવિધ અભ્યાસક્રમોની તાલીમ, ગુજરાત એપેક્ષ ઈન્સ્ટીટ્યુટનાં વિકાસ માટે ડ્રોન ટેકનોલોજી અભ્યાસક્રમ અને સંશોધન, શ્રમિકોના બાળકો માટે આંગણવાડી, ઘોડીયાઘર તેમજ આરોગ્ય ચકાસણી કેન્દ્ર માટે નાણાંકીય જોગવાઈ રાજ્ય સરકારે કરી છે. તેવી જ રીતે    શ્રમ ઈન્સ્પેક્શન માટે “SIMPLE” મોબાઈલ એપ્લીકેશન, શ્રમિક હેલ્પલાઈન, લઘુત્તમ વેતન અધિનિયમ, બોનસ ચૂકવણી અધિનિયમ, ઈ-શ્રમ પોર્ટલ, વિવિધ બોર્ડ મારફતે શ્રમિક કલ્યાણની કામગીરી જેવી માટે વિવિધલક્ષી કામગીરી શ્રમિકોનાં કલ્યાણ માટે કરવામાં આવે છે. કૌશલ્ય વિકાસ માટે ભારત સરકારનાં સહાયથી સ્ટ્રાઈવ (STRIVE), ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશન, કૌશલ્ય વર્ધન કેન્દ્ર, સક્ષમ, પ્રોજેક્ટ સંકલ્પ, મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના, પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના, મુખ્યમંત્રી સ્કીલ ડેવલપમેન્ટ ઈનીશીએટીવ, ગુજરાત એપેક્ષ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ (ગતિ), મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના જેવી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ કામગીરી કરવામાં આવે છે. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય માટે ઈમરજન્સી પ્લાન, તબીબી તપાસણી, શ્રમ એવોર્ડ, દિવ્યાંગ વ્યક્તિને રોજગાર જેવી કામગીરી પણ કરવામાં આવે છે. 

    મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વધુમાં જણાવ્યું કે, જન આરોગ્યની ચિંતા કરવી તે અમારી સરકારની પ્રાથમિક ફરજ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.૧૫૧૮૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે રૂ.૯૨૬૨ કરોડ, આરોગ્ય સેવાઓ અને બિનસંચારી રોગોનાં અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ રૂ.૧૭૪૫ કરોડ, મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત તબીબી સારવાર માટે રૂ.૧૬૦૦ કરોડ, મહિલા લક્ષી યોજનાઓ, શહેરી આરોગ્ય સેવાઓ, પી.એચ.સી., સી.એચ.સી. અને સબ સેન્ટરના બાંધકામ અંગે વિશેષ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે તબીબી સેવાઓ માટે કુલ રૂ.૧૨૭૮ કરોડ, પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના, જિલ્લા અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલ, નવી એમ્બ્યુલન્સ માટે પણ નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. તે ઉપરાંત તબીબી શિક્ષણ અને સંશોધન ક્ષેત્ર માટે મેડીકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો રૂ.૩૯૯૭ કરોડ, શૈક્ષણિક હોસ્ટેલોમાં હયાત સુવિધાઓનાં વિસ્તૃતીકરણ માટે રૂ.૩૫૫ કરોડ, 
    પી.પી.પી. મોડેલ થકી નવી મેડીકલ કોલેજ અને ખાનગી હોસ્પીટલોને સાધન સહાય માટે રૂ.૧૩૦ કરોડ, આયુષ માટે રૂ.૩૮૯ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય – મુખ્યમંત્રી અમૃતમ યોજના, ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ, અંગદાન અને પ્રત્યારોપણ, શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય આરોગ્ય, મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત, રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ, રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, કુપોષણ મુક્ત ગુજરાત, યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન, આયુષમાન ભારત, નર્સીંગ સેવાઓ, ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ, ટ્રોમાકેર, એઈડસ કન્ટ્રોલ સોસાયટી, આયુષ હસ્તકની કામગીરી, ફુડ એન્ડ ડ્રગ પ્રભાગની કામગીરી વગેરે જેવી અનેકવિધ કામગીરી દ્વારા આ સરકાર ગુજરાતના સ્વાસ્થયની ચિંતા કરે છે.

    મંત્રીશ્રીએ ઉમેર્યું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ.૬૦૬૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક સહાય માટે રૂ.૧૮૯૭ કરોડ, પૂરક પોષણ યોજના માટે રૂ.૧૪૫૨ કરોડ, આંગણવાડી બહેનોનાં વેતન અને અન્ય સવલતો માટે રૂ.૭૫૪ કરોડ, પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર માટે રૂ.૩૯૯ કરોડ, આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ આપવા માટે રૂ.૧૨૬ કરોડ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે રૂ.૨૧૪ કરોડ, પોષણ સુધા યોજના માટે રૂ.૧૩૩ કરોડ, આંગણવાડી કેન્દ્રો માટે રૂ.૨૬૮ કરોડ, વ્હાલી દિકરી યોજના માટે રૂ.૧૫૦ કરોડ, આંગણવાડીમાં બાળકોને ડીજીટલ લર્નિંગ માટે રૂ.૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આમ ભારતનું ભવિષ્ય સમૃદ્ધ અને સશક્ત બને તે માટે અમારી સરકારે વિશાળ દ્રષ્ટિકોણ અપનાવ્યો છે. તે ઉપરાંત ટેક હોમ રેશન, ગરમ નાસ્તો, દૂધ સંજીવની યોજના, પોષણસુધા યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મૂલ્ય વર્ધિત ટેક હોમ રેશન યોજના, પોષણ અભિયાન જેવી યોજના દ્વારા લાભાર્થીઓને પોષણ માટે સેવાઓ પુરી પાડવામાં આવે છે. ભુલકા મેળો, સેટકોમ, પ્રિસ્કુલ કીટ, બાળગોષ્ઠી જેવા કાર્યક્રમો / યોજનાઓ દ્વારા શિક્ષણ વિષયક સેવાઓ પુરી પાડવામાં આવે છે. પૂર્ણા યોજના, મહિલા કલ્યાણ માટે વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો – બેટી પઢાઓ, નારી સંરક્ષણ ગૃહ, વ્હાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના, નારી વંદન સપ્તાહ, ગુજરાત મહિલા આયોગ હેઠળ નારી સંમેલન, કાયદાકીય જાગૃતિ શિબીર, નારી અદાલત, સમીક્ષા બેઠક, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના, મહિલા જાગૃતિ શિબીર, પ્રદર્શનસહ વેચાણ, મહિલા સ્વરોજગાર મેળા વગેરે જેવી વિવિધ મહિલા સશક્તિકરણની કામગીરી કરીને મહિલાઓને વિકાસની ધરામાં સહભાગીદારી આપી છે.

    મંત્રી શ્રી એ ઉમેર્યું કે,બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ.૩૫૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ઈલેક્ટ્રોનીક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન માટે રૂ.૨૧૭ કરોડ, નવલખી પોર્ટની હેન્ડલીંગ ક્ષમતા વધારવા રૂ.૧૯૨ કરોડ,ઈલેક્ટ્રીક બસોની ખરીદી માટે રૂ.૨૪ કરોડ,સી.સી.ટી.વી. સર્વેલન્સ માટે રૂ.૧૦ કરોડ,એરપોર્ટ જેવી સુવિધા સાથેનાં બસ સ્ટેશનોની જોગવાઈ કરી છે 

    તેમણે કહ્યુ કે,દેશનાં કુલ દરિયાકાંઠાનાં આશરે ૧૬૦૦ કીલોમીટર લંબાઈનો દરીયાકાંઠો ગુજરાત ધરાવે છે.રાજ્યમાં કુલ ૪૮ નોન મેજર બંદરો આવેલા છે.જે પૈકી ૧૩ બંદરો મધ્યમ કક્ષાનાં ૪ ખાનગી બંદરો તેમજ ૩૧ નાના બંદરો આવેલા છે. વિશેષ સવલતોની જરૂરીયાત વાળા ઉદ્યોગો માટે હજીરા, મૂળ દ્વારકા, દહેજ, સિક્કા, પીપાવાવ, જખૌ, ભોગાત ખાતે કેપ્ટીવ જેટીઓ, ખાનગી જેટી અને શીપ બિલ્ડીંગ યાર્ડનાં વિકાસ માટેની યોજનાઓ, ડ્રેજીંગની સુવિધા વગેરે કામગીરી કરવામાં આવે છે.    

    તેમણે ઉમેર્યુ કે, વાહન વ્યવહાર વિભાગની આર.ટી.ઓ. કચેરી ખાતે ફેસલેસ સેવાઓ, અમદાવાદ અને રાજકોટ મુકામે નવી આર.ટી.ઓ. કચેરી, બી.એચ. સીરીઝ સુવિધાનો પ્રારંભ, સ્ટેટ ઈલેક્ટ્રીક વ્હીકલ પોલીસી-૨૦૨૧, વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલીટી, માર્ગ સલામતી બાબતે જાગૃતિ માટે TEAM-Traffic Education and Awareness Mobile project, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવે છે.   

    મંત્રી શ્રી એ ઉમેર્યું કે, ખેડૂતોના હિતને વરેલી અમારી સરકારે હાલમાં કમોસમી વરસાદ થતા આ માટે તાત્કાલિક અસરથી સર્વે હાથ ધરવા કામગીરી હાથ ધરવામાં આવી છે અને ડુંગળી અને બટાટાનું વાવેતર કરનાર ખેડૂતોને સહાય કરવાની પણ મંત્રીશ્રીએ જાહેરાત કરી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ.૨૧૬૦૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને રાહતદરે વિજળી ઉપલબ્ધ કરાવવા માટે રૂ.૮૨૭૮ કરોડની જોગવાઈ,  વિવિધ ઓજારોની ખરીદી માટે, કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સિંગ બનાવવા, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રાકૃતીક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ, મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા, ડ્રોન ટેકનોલોજી અને અન્ય કૃષિ વિષયક યોજનાઓ માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે. કૃષિ માટે બાગાયત, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ, ખેડૂતોની આવકો વધારવી, પ્રાકૃતિક કૃષિ,  સોઈલ હેલ્થ કાર્ડ, બીજ-ખાતર-જંતુનાશક માટે સહાય, ટેકાના ભાવે ખરીદી, પાક સંગ્રહ માટે વ્યવસ્થા, પાક વીમા યોજના, કૃષિ યુનિવર્સીટી, ખેડૂતોને તાલીમ વગેરે જેવી અનેકવિધ કૃષિ કલ્યાણકારી કામગીરી રાજય સરકારે હાથ ધરી છે.

    તેમણે ઉમેર્યુ કે, પશુપાલકોને સહાયરૂપ થવા અમારી સરકારે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત રૂ.૫૦૦ કરોડની જોગવાઈ, મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર અને ફરતા પશુ દવાખાનાની સેવા માટે, દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ માટે, કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ માટે, નવા સ્થાયી પશુ દવાખાના માટે નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.એ જ રીતે મત્સ્યોદ્યોગના સર્વાગી વિકાસ માટે નકકર આયોજન કર્યુ છે. મત્સ્યબંદરોનાં વિકાસ તેમજ હયાત મત્સ્ય કેન્દ્રોનાં આધુનિકીકરણ અને નિભાવ માટે રૂ.૬૪૦ કરોડ, સાગરખેડૂઓને ડીઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે રૂ.૪૫૩ કરોડ, પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજનાનાં સર્વાંગી વિકાસ માટે રૂ.૧૫૫ કરોડ, મસ્ત્ય ઉછેર માટે રૂ.૧૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માછીમારો માટે કાર્ડ, નેટ માટે સહાય, મત્સ્ય નિકાસ માટે સુવિધા વગેરે જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.

    મંત્રી શ્રી બાવળીયા એ કહ્યુ કે, મહેસુલ વિભાગ માટે કુલ રૂ.૫૧૪૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એક નવી કલેકટર કચેરી, છ મામલતદાર કચેરીના બાંધકામ માટે રૂ.૪૬ કરોડની જોગવાઈ, છ સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ, દસ્તાવેજોના ડીઝીટલાઈઝેશન માટે રૂ.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.મહેસુલી સેવાઓનું સરળીકરણ, પારદર્શિતા સાથે ઝડપી અને ત્વરીત સેવાઓ માટેની કામગીરી, ડીઝીટલ સેવાઓ માટે મહેસુલી સેવાઓનું આધૂનિકરણ કરાયું છે.આ ઉપરાંત સફાઈ અભિયાન, મહિલા સુરક્ષા, પારદર્શક વહીવટ, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હોય કે ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાની અમલવારી કરવાની હોય દરેક ક્ષેત્રમાં છેવાડાના માનવીની ચિંતા કરી છે અને તે અંગે અનેકવિધ પગલાં લીધા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
apply