ગુજરાતી સંસ્કૃતિ રજૂ કરતી શણની ઈકો ફ્રેન્ડલી હેન્ડબેગ બની યુવાનોના આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
બેગ એટલે કે થેલીની જરૂરિયાત કોઈ પણ પ્રકારની વસ્તુઓ ભરવા માટે પળે પળે આપણને પડતી હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી કપડાંની થેલીનું સ્થાન પ્લાસ્ટિકના ઝભલાઓએ લીધું છે. જેને પરિણામે વિશ્વભરમાં પર્યાવરણ અને પ્રદૂષણના અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ત્યારે પુનઃ આપણે પારંપરિક થેલી કે બેગ તરફ વળવાની જરૂરિયાત ચોક્કસપણે ઉભી થઈ છે. પ્લાસ્ટિક સામે પરંપરાગત હેન્ડ બેગ અને તે પણ આકર્ષક રંગ-રૂપમાં મળી રહે તો યુવાનો અને મહિલાઓને તેમાં રસ પડવો સ્વાભાવિક છે. આથી જ હાથમાં શોભે અને સાથે લઈ જવામાં પણ ફેશનેબલ ગણાય તેવી જ્યુટ એટલે કે શણની બેગની બોલબાલા વધી છે.
રાજકોટમાં હાલ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા ઉત્કર્ષ, સ્વાવલંબન અને રોજગારીને લગતો શક્તિ મેળો ચાલી રહ્યો છે. જેમાં આણંદની ગીતાંજલિ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાતી શણની બેગ આકર્ષણનું કેન્દ્ર બની છે.
વેચાણ અર્થે આવેલા સ્ટોલ ધારક સત્યવાન શર્મા જણાવે છે કે, મારી પત્ની ગીતાબેન અને તેમના ગ્રુપે 2007 મા સખી મંડળની સ્થાપના કરી. અમે લોકોએ શણની પરંપરાગત બેગનું ઉત્પાદન શરુ કર્યું. ધીરે ધીરે બેગની ડિમાન્ડ વધતા અને સમય પ્રમાણે તેમાં વિવિધ કલાત્મક પ્રિન્ટિંગ ડિઝાઈન, કોડી, મોતી, કલર કાપડનું આર્ટ વર્ક ઉમેરી તેને અમે વધુ ને વધુ કલાત્મક બનાવતા ગયા. આજે અમે લંચ બોક્સ અને પાણીની બોટલ માટેની કેરી બેગ, પર્સ, પાઉચ, શોપિંગ બેગ સહીત 50 જેટલી નાની મોટી ફેશનેબલ ઈકો ફ્રેન્ડલી બેગની વેરાયટી તૈયાર કરીએ છીએ.
કોરોના પહેલા ૩૫ થી વધુ બહેનો આ કામગીરીમાં સામેલ હતી. જેઓને આ ધંધા થકી રોજીરોટી મળી રહેતી. અમારી બેગ દેશ વિદેશના રાજ્ય સરકારના ડેલિગેટસ કે મહેમાનોને પણ મોમેંટો તરીકે આપવામાં આવે છે. મહિને 2 થી 3 લાખના માલનું વેચાણ થઈ જતું હોવાનું તેઓ જણાવે છે.
ચાઈનાની સામે હરીફાઈ કરતી આ પ્રકારની હેન્ડ બેગ ''લોકલ ફોર વોકલ'' સૂત્રને સાર્થક કરવાની સાથોસાથ મોર્ડન યુગમાં લૂક સાથે ટકાઉ અને મજબૂત હેન્ડબેગ્સ પરંપરા સાથે મહિલાઓના આર્થિક ઉથ્થાનમાં આગવી ભૂમિકા ભજવી રહી છે.
