ગ્રામીણ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે RSETI સંસ્થા દ્વારા વિશેષ તાલીમ કાર્યક્રમ
Live TV
-
ગ્રામીણ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે RSETI સંસ્થા દ્વારા વિશેષ તાલીમ કાર્યક્રમ
રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ગ્રામ્ય કક્ષાના ગરીબી રેખા નીચે જીવતા (BPL) પરિવારોના યુવક-યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ જ પહેલના ભાગરૂપે, ભારત સરકારની આરસેટી (RSETI) સંસ્થા દ્વારા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા પાસે આવેલા પીપલગ ગામની રુડસેટ ઇન્સ્ટિટ્યૂટમાં બે દિવસીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્કશોપનો મુખ્ય હેતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કડિયાકામ, કોમ્પ્યુટર હાર્ડવેર અને ફોટોગ્રાફી જેવા વિષયોમાં નિષ્ણાત 'સ્કીલ ટ્રેનર્સ' તૈયાર કરવાનો છે. આ તાલીમમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૦ જેટલા તાલીમાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ તાલીમાર્થીઓ બે દિવસ સુધી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન મેળવશે. આ તાલીમ તદ્દન નિ:શુલ્ક છે.
કાર્યક્રમનો ઉદ્દેશ્ય અને ભવિષ્યની યોજના
આ વર્કશોપમાં તાલીમ પામેલા ટ્રેનર્સ પોતાના જિલ્લામાં પાછા ફરીને સ્થાનિક કડિયાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનતા મકાનો વધુ મજબૂત અને ટકાઉ બનાવવા માટે તાલીમ આપશે. ઉપરાંત, તેઓ કોમ્પ્યુટર હાર્ડવેર અને ફોટોગ્રાફી શીખવા ઈચ્છતા BPL કાર્ડધારક યુવક-યુવતીઓને પણ તાલીમ આપશે, જેથી તેઓ રોજગારી મેળવી શકે.
આરસેટીના ગુજરાત રાજ્યના સ્ટેટ કંટ્રોલર વિકાસ મકવાણા આ બે દિવસીય વર્કશોપનું સંચાલન કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં રુડસેટના પ્રણવ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કડિયાકામની સ્કીલ ટ્રેનિંગ માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કડિયાઓએ આ તાલીમમાં રસ દાખવ્યો છે, જે એક સકારાત્મક સંકેત છે. તાલીમ બાદ, તાલીમાર્થીઓની લેખિત અને પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે અને સફળ ઉમેદવારોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
