જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો સમયસર, સરળતાથી મળી રહે તે આપણી પ્રાથમિકતાઃ જયેશ રાદડિયા
Live TV
-
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના મંત્રીશ્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક. પુરવઠા વિભાગ, કાનુની માપ વિજ્ઞાન કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી.
પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબત વિભાગના મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી તથા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પુરવઠા વિભાગ, કાનુની માપ વિજ્ઞાન કચેરી અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી મંત્રીએ જરૂરી સુચનાઓ આપી હતી. કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજનો જથ્થો સમયસર અને સરળતાથી મળી રહે તે આપણી પ્રાથમિકતા છે. વન નેશન વન રેશન યોજના અંતર્ગત અન્ય જિલ્લા અને પરપ્રાંતમાંથી આવતા લોકોને અનાજનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં પ્રયત્નો કરવા પણ જરૂરી છે. સાથે જ જિલ્લામાં આવેલી વાજબી ભાવની દુકાનોમાં સમયાંતરે ચકાસણી કરવા અને ચાર્જમાં ચાલતી વાજબી ભાવની દુકાનો અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી તેને નિયમીત કરવા પણ કેબિનેટ મંત્રીએ જરૂરી સુચનાઓ આપી હતી.
જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ પુરવઠા વિભાગની કામગીરીની આંકડાકિય વિગતો રજૂ કરી જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંતર્ગત નવીન રેશનકાર્ડ ઈસ્યુ કરવાની તથા આવશ્યક ચીજ-વસ્તુઓના જથ્થાના વિતરણ સહિતની કામગીરી સુચારૂપણે થઈ રહી છે. સાથે જ વિચરતી-વિમુક્ત જાતિના ૫૪૨ પરિવારોને રેશનકાર્ડ ઈસ્યુ કરવા તથા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત આપવામાં આવેલા ૧,૦૭,૭૯૭ ગેસ કનેક્શન સહિતની વિગતો પણ રજૂ કરી હતી. ઉપરાંત કેબિનેટ મંત્રીએ કાનૂની માપ વિજ્ઞાનની કચેરી દ્વારા વજન માપમાં ઓછુ આપવા બાબત, કિંમતથી વધુ ભાવ લેવા બાબત તથા પેકેટ પર નિયમો ન દર્શાવવા બદલ દાખલ કરવામાં આવેલા ગુના તથા તે સબબ કરવામાં આવેલા દંડ અને ગ્રાહક સુરક્ષા અંગે કરવામાં આવેલી લોકજાગૃતિ માટેની પ્રવૃત્તિઓ સહિતની વિગતો મેળવી હતી.
જ્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર દ્વારા વાજપાઈ બેંકેબલ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના અને માનવ કલ્યાણ યોજના સહિતની વિસ્તૃત માહિતીથી કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને અવગત કરાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર સંજય મોદી, સંયુક્ત નિયામક પી.ટી. સાધુ, લીગલ મેટ્રોલોજી વિભાગના ડેપ્યુટી કંટ્રોલર સંજય પાટડિયા, સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
