Skip to main content
Settings Settings for Dark

જાણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગજનનો એવોર્ડ મેળવનાર મનથી મક્કમ જય ગાંગડિયા વિશે

Live TV

X
  • ગુજરાતનું ગૌરવ વધારતો 25 વર્ષનો યુવાન જય મહેશભાઈ ગાંગડિયા, શરીરથી દિવ્યાંગ અને મનથી મક્કમ. જય ગાંગડિયાએ દિલ્હી ખાતે 3 ડિસેમ્બર, 2023ના રોજ વિશ્વ દિવ્યાંગજન દિવસે યોજાયેલ રાષ્ટ્રીય દિવ્યાંગજન એવોર્ડ સમારંભમાં શ્રેષ્ઠ દિવ્યાંગજનનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2023માં રાષ્ટ્રીય દિવ્યાંગજન એવોર્ડ મેળવનાર એકમાત્ર યુવાન છે. 

    રાષ્ટ્રીય દિવ્યાંગજન એવોર્ડથી સન્માનિત થયેલ જય ગાંગડિયાના જીવન અને તેના સંઘર્ષો આપણા સૌ માટે પ્રેરણા સમાન છે. જયના પિતા મહેશભાઈ અને તેમના પત્નીએ એક દિવસના બાળકને દત્તક લીધું અને આ બાળકનું નામ ‘જય’ આપ્યું. ક્યારેય પરાજિત ન થાય એવો જય હંમેશાં સંઘર્ષો સાથે જીવતા શીખ્યો. જયને દત્તક લીધા બાદના ત્રણ દિવસ પછી જ તેને કમળો થઈ ગયો. આ બીમારી દરમિયાન આંચકી આવવાની તકલીફ થતા જયને સેરેબ્રલ પાલ્સી, એટલે કે મગજનો લકવો પડી ગયો. સેરબ્રલ પાલ્સીનો અસાધ્ય રોગ થવાના કારણે જયના શરીરમાં 80 ટકા જેટલી ડિસેબિલિટી આવી ગઈ. સેરેબ્રલ પાલ્સીના કારણે આજે પણ 25 વર્ષના જયને શરીરનું સમતોલન રાખવામાં તકલીફ છે.

    આ રોગની કોઈ પ્રકારની દવા ઉપલબ્ધ ના હોવાના કારણે તેને આગળ વધતો રોકવા માટે નિયમિત રીતે તેને ફિઝિયો થેરાપીની સારવાર આપવી પડે છે. જય એક વિશિષ્ટ બાળક હોવાના કારણે તેનો અભ્યાસ સ્પેશિયલ સ્કૂલમાં કરાવવામાં આવ્યો. સ્કૂલમાં પેઇન્ટિંગ વિષયમાં જયને ખૂબ જ રસ હતો. આ કારણોસર, જય લગન અને ધગશથી આ વિષયમાં આગળ વધ્યો. શરૂઆતમાં નાના કેન્વાસ પેઇન્ટિંગથી શરૂ કરી જય આજે મોટા કેન્વાસ પર પેઇન્ટિંગ કરે છે. નેચર અને એબસ્ટ્રેક્ટ થીમ પર પેઇન્ટિંગ કરતો જય ઘટનાઓ, તેની આસપાસનું વાતાવરણ અને ઈમેજિનેશનના આધારે પેઇન્ટિંગ બનાવે છે. જયના પિતા મહેશભાઈનો સંઘર્ષ પણ જય કરતાં ઓછો નથી. 

    મહેશભાઈ જયના એકમાત્ર સહારાનું કામ કરે છે. પત્નીના મૃત્યુ બાદ મહેશભાઈ એકલા હાથે જયની બધી જવાબદારીઓ નિભાવે છે. મહેશભાઈની મદદથી જ જય પોતાની દૈનિક ક્રિયાઓ પૂરી કરે છે. પેઇન્ટિંગ બનાવતી સમયે જયના હાથમાં બ્રશ પકડાવવું, તેના કેનવાસને પકડી રાખવું પડે તો તે પકડી રાખીને મહેશભાઈ તેને પેઇન્ટિંગ બનાવવામાં મદદ કરે છે. મહેશભાઈ જયનો પેઇન્ટિંગ કરતો લાઈવ વિડિયો ઉતારીને તેની પેઇન્ટિંગ લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. મહેશભાઈના કહેવા મુજબ દિવ્યાંગ બાળકો વહાલના ખૂબ જ ભૂખ્યા હોય છે અને આ બાળકો ઉપર પ્રેમની ખૂબ જ અસર થતી હોય છે. દિલથી સ્વીકાર અને આવકાર મળવાના કારણે આ બાળકો ખૂબ જ ખીલી ઊઠતા હોય છે, તેવું તેમનું માનવું છે.

    જય અત્યાર સુધી 350થી પણ વધારે કેનવાસ પેઇન્ટિંગ કરી ચૂક્યો છે. જયના પેઇન્ટિંગના અલગ અલગ જગ્યાએ એક્ઝિબિશન યોજાય છે. અત્યાર સુધીમાં જય દ્વારા બનાવવામાં આવેલી પેઇન્ટિંગના 30 જેટલા એક્ઝિબિશન યોજાઇ ચૂક્યા છે, તેમાં એક સોલો એક્ઝિબિશન પણ આયોજિત થઈ ચૂક્યું છે. 18 જેટલી ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને જય ઘણા બધા મેડલ અને પ્રમાણપત્રો મેળવી પોતાની કળાથી સામાન્ય માણસો કરતાં પણ વધારે નામના મેળવી રહ્યો છે. જયના એક્ઝિબિશન દરમિયાન થયેલ આવકમાંથી કોરોના સમયે તેના દ્વારા રૂ. 5100 પીએમ કેર ફંડમાં દાન કરવામાં આવ્યા હતા. ડિસેબિલિટી હોવા છતાં પેઇન્ટિંગની અનોખી કળા ધરાવતો જય અથાગ મહેનત અને ધગશથી આગળ વધી રહ્યો છે.

    રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યા બાદ જયની દિલથી એવી ઈચ્છા છે કે ભવિષ્યમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને પોતાના હસ્તે બનાવેલું એક પેઇન્ટિંગ ગિફ્ટ કરે. જય અત્યાર સુધીમાં ઘણી બધી હસ્તિઓને મળીને તેમને પોતાની બનાવેલી પેઇન્ટિંગ ગિફ્ટ આપી ચૂક્યો છે, જેમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખયમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેવા અનેક મહાનુભાવો છે.

    જય અનેક યાદગાર પેઇન્ટિંગ્સ બનાવી ચૂક્યો છે જેમાંની એક પેઇન્ટિંગ ‘મિસ યુ મોમ‘ છે. આ પેઇન્ટિંગને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73મા જન્મદિવસે યોજાયેલી શબ્દ રંગ ચિત્ર સ્પર્ધામાં તેમના જ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ અને ‘માડી મને કૌવત દેજે’ પરથી પ્રેરણા લઈને જય દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગને સ્પર્ધામાં શ્રેષ્ઠ પેઇન્ટિંગનો એવોર્ડ પણ મળ્યો હતો. દિવ્યાંગ યુવાન જય પોતાની ડિસેબિલિટીને એબિલિટીમાં પરિવર્તિત કરવામાં સફળ રહ્યો છે. જય આમ જ સફળતાના પ્રયાણો સર કરતો રહે અને સમાજ માટે અને દિવ્યાંગજનો માટે ઉદાહરણરૂપ બનતો રહે તેવી અભ્યર્થના.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply