ડાકોર: રણછોડરાયજીને ધનુર્માસ દરમ્યાન ધરાવાય છે ખીચડો
Live TV
-
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બનતો ખીચડો દેશભરમાં વખણાય છે. વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા મુજબ ધનુર્માસમાં ખીચડાનું અનેરું મહત્વ છે ત્યારે ડાકોરના ભગવાન રણછોડરાયજીને 16 ડિસેમ્બર થી 15 જાન્યુઆરી દરમ્યાન ખીચડો ધરાવાય છે. ડાકોર મંદિરમાં છેલ્લા 265 વર્ષથી સતત ખીચડો બનાવવામાં આવી રહ્યો છે. આ ખીચડો સુકા મેવાથી ભરપૂર હોય છે અને તુવેરની દાળ અને ચોખાથી બને છે. તેમાં ઘી પણ ઉત્તમ માત્રામાં હોય છે. ખીચડાની સાથે ભરેલા રવૈયા(રીંગણ)નું શાક અને કઢી ધરાવવામાં આવે છે. આ ખીચડાને ધનુર્માસનો ખીચડો કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ 16 ડિસેમ્બરથી લઈ 15 જાન્યુઆરી સુધી સૂર્ય ધન રાશિમાં હોઈ, આ માસને ધનુર્માસ કહેવાય છે. તેમજ 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે માટે મકરસંક્રાંતિ કહેવાય છે.
ડાકોરમાં રહેતા નગરજનો દ્વારા આ ખીચડો મોટી-મોટી વાડીઓમાં અને ધર્મશાળામાં બનાવવામાં આવે છે. ડાકોરમાં આ મહિના દરમિયાન આશરે 50 થી 60 લાખ રૂપિયાના ખર્ચે ખીચડો બનાવીને સ્વજનોને પીરસવામાં આવે છે. ધનુર્માસ દરમ્યાન સવારે મંગળા આરતી બાદ ભગવાનને આ ખીચડાનો ભોગ ધરાવવામાં આવે છે. આ માસમાં ભગવાનની મંગળા આરતીનો સમય પણ બદલી સવારે 6.15 કરવામાં આવે છે અને 8 વાગ્યાના અરસામાં ખીચડો ધરાવવામાં આવે છે.
