તબીબી ક્ષેત્રે અંતરિયાળ ગામોમાં શ્રેષ્ઠત્તમ કામગીરી કરનાર ડૉ. લતાબેન દેસાઈનું પદ્મ શ્રી એવોર્ડથી કરાશે સન્માન
Live TV
-
ગુજરાત માટે ભરૂચ જિલ્લા માટે ગૌરવ સમાન એવા ગ્રામ્ય વિસ્તાર ઝઘડિયાના ડૉ. લતાબેન અનિલ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. તબીબી ક્ષેત્રે ભરૂચ, સુરત જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં અવિરત શ્રેષ્ઠત્તમ પ્રેરણારૂપ સેવાકીય પ્રવૃત્તિ માટે સન્માનિત કરવામાં આવશે તેવી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જાહેરાત કરવામાં આવી છે.
ડૉ. લતા દેસાઈનું જીવનનું સૂત્ર છે 'आत्मनो मोक्षार्थम् जगत् हिताय च' અર્થાત્ આપણા વ્યક્તિગત ઉદ્ધાર માટે અને પૃથ્વી પરના બધાની સુખાકારી માટે, મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી પ્રેરિત, ડૉ. લતા બેન, તેમના પતિ સ્વ ડૉ. અનિલ દેસાઈ અને સેવા રૂરલ ટીમે 1,980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં ગુજરાતમાં આદિવાસી સમુદાયોની સર્વગ્રાહી, સંકલિત સુખાકારી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. મૂલ્યોની જાળવણી, આગેવાનોની બીજી પેઢીનો વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ એ તેમના જીવનનો મુખ્ય અભિગમ રાખ્યો છે.
ઝગડીયા સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા આદિવાસી વિસ્તારોમાં 250 બેડની ધર્માદા હોસ્પિટલ આસપાસના 2,000 ગામડાઓને માતા અને બાળ સંભાળ, આંખની સંભાળ, બિન ચેપી રોગો અને સામાન્ય શસ્ત્રક્રિયાના ક્ષેત્રમાં ચોવીસ કલાક ગૌણ સ્તરની સંભાળ પૂરી પાડે છે. કન્સલ્ટન્ટ સહિત 25 તબીબોની ટીમ ઝઘડિયા ગામમાં રહે છે. દર વર્ષે 2 લાખ દર્દીઓ હોસ્પિટલની સેવાઓનો લાભ લે છે. છેલ્લા 40 વર્ષ દરમિયાન ભરૂચ જિલ્લા તેમજ આસપાસના આદિવાસી વિસ્તારમાંથી 30 લાખથી વધુ આર્થિક રીતે પછાત અને વંચિત દર્દીઓએ સુવિધાનો લાભ મેળવ્યો છે. જેમાંથી 80% થી વધુ ઓપીડી અને દાખલ દર્દીઓની સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. હોસ્પિટલ સેવાઓનો ઉદ્દેશ્ય "અતિ આધુનિક સેવા અતિ ગરીબ માટે " પ્રદાન કરવાનો છે.
કોમ્યુનિટી હેલ્થ આઉટરીચ અને સંશોધન પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય નાગરિકોના ઘરે-ઘરે પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો લતાબેનનો હેતુ છે. સરકારની ભાગીદારીમાં માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, પોષણ હેઠળના બાળકો, કિશોર આરોગ્ય અને સિકલ સેલ રોગમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી લોકોની સેવા કરવાનું કાર્ય વર્ષોથી કરવામાં આવી રહ્યો છે જેનો મુખ્ય શ્રેય સેવા રૂરલ હોસ્પિટલના સ્થાપક એવા ડૉ. લતાબેન દેસાઈના પ્રયત્નો અને સેવાભાવની કામગીરી થકી જ શક્ય બન્યું હોય કેન્દ્ર સરકાર દ્વારા ભારતનો સર્વ શ્રેષ્ઠ પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેટ કરી સન્માનિત કરવામાં આવ્યા છે. જે ગુજરાત સહિત ભરૂચ જિલ્લા માટે ગર્વ સમાન બની રહ્યું છે.
