દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઈડી કાર્ડ માટે રજિસ્ટ્રેશન કેમ્પ
Live TV
-
રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે 162 દિવ્યાંગ લાભાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગતાની જગ્યાએ સમાજમાં ‘દિવ્યાંગ’ તરીકેની સન્માનજનક ઓળખ આપી છે. દિવ્યાંગજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઈડી કાર્ડ (UDID) માટે રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સમાજ કલ્યાણ શાખા અને ધારપુર મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે યોજાતા આ કેમ્પોમાં ધારપુર સરકારી હોસ્પિટલના ઈએનટી, ઓર્થોપેડિક, આંખ, માનસિક રોગો સહિતના નિષ્ણાત તબીબો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે.
રાધનપુરમાં 162 લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
આ અંતર્ગત રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી-પુરુષો તેમજ યુવક-યુવતીઓ માટે રજિસ્ટ્રેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પ દરમિયાન અસ્થિવિષયક, મૂક-બધિરતા, અંધત્વ, મંદબુદ્ધિતા સહિતની વિવિધ દિવ્યાંગતા ધરાવતા કુલ 162 લાભાર્થીઓએ દિવ્યાંગતા પ્રમાણપત્ર માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
કેમ્પમાં રજિસ્ટ્રેશન કરાવનાર લાભાર્થીઓએ સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ કરવામાં આવેલી આ કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા કક્ષાએ જવાની જરૂર ન પડે તે માટે સ્થાનિક કેમ્પ
સમાજ કલ્યાણ શાખાના મદદનીશ અધિકારી સમીના છનાજી ઠાકોરે જણાવ્યું હતું કે દિવ્યાંગ લોકોને નવું દિવ્યાંગતા પ્રમાણપત્ર મેળવવા અથવા પ્રમાણપત્ર રિન્યુ કરાવવા માટે જિલ્લા કક્ષાએ જવું ન પડે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક કક્ષાએ આવા રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ પ્રકારના કેમ્પો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓને તેમના વિસ્તારની નજીકમાં જ તબીબી તપાસ અને પ્રમાણપત્ર માટેની પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
