દ્વારકા: પવિત્ર પુરુષોત્તમ માસે રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે યોજાયો 2100 કિલોનો ભવ્ય 'ગૌ અન્નકૂટ'
Live TV
-
દ્વારકા: પવિત્ર પુરુષોત્તમ માસે રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરે યોજાયો 2100 કિલોનો ભવ્ય 'ગૌ અન્નકૂટ'
હાલ ચાલી રહેલા પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં અનેક ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે સાંજે દ્વારકાના પ્રખ્યાત રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિર ખાતે એક અનોખો અને ભવ્ય અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અહીં ગૌમાતાના કલ્યાણ અર્થે ૨,૧૦૦ કિલોગ્રામ સામગ્રીનો ભવ્ય 'ગૌ અન્નકૂટ' ધરવામાં આવ્યો હતો, જેનો લાભ લઈને સ્થાનિક શ્રદ્ધાળુઓએ દર્શન સાથે પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
2100 કિલોના અન્નકૂટમાં શું હતું ખાસ?
'રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ' દ્વારા આયોજિત આ ભવ્ય અન્નકૂટમાં સામાન્ય અન્નકૂટ કરતાં કંઈક અલગ જ અભિગમ અપનાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટ ખાસ કરીને પશુઓ અને ગૌમાતાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો હતો, જેમાં અનાજ અને કઠોળ, તાજા શાકભાજી, ફ્રૂટ્સ અને લીલું ઘાસ, ગૌમાતા માટે ખાસ ખોળ અને કપાસિયા,ગોળ અને શુદ્ધ ઘી સહિતની સામગ્રી મુજબની સામગ્રી અર્પણ કરવામાં આવી હતી.
મહાઆરતી બાદ ગલીએ-ગલીએ ગૌગ્રાસનું વિતરણ
રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ દ્વારા આ ભવ્ય અન્નકૂટ દર્શન ગઈકાલે સાંજે ૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અન્નકૂટની સ્થાપના બાદ મંદિરે ભાવિકોની હાજરીમાં ભવ્ય મહાઆરતી યોજાઈ હતી.
ગૌસેવા પરમો ધર્મ:
મહાઆરતી સંપન્ન થયા બાદ, રાત્રિના સમયે રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપના સભ્યો દ્વારા દ્વારકાની ગલીએ-ગલીએ ફરીને રખડતી અને સ્થાનિક ગૌમાતાઓને આ ૨૧૦૦ કિલોનો અન્નકૂટ પ્રસાદ સ્વરૂપે ખવડાવવામાં આવ્યો હતો.
સેવા ક્ષેત્રે અગ્રેસર 'રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ'
આ સમગ્ર ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમનું સફળ આયોજન સ્થાનિક સેવાભાવી સંગઠન 'રિદ્ધિ સિદ્ધિ યુવા ગ્રુપ' દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ વર્ષભર દ્વારકામાં આવા અનેક સામાજિક, ધાર્મિક અને ગૌસેવાના કાર્યો તેમજ વિવિધ ઉત્સવોની ઉજવણી ઉત્સાહભેર કરવા માટે જાણીતું છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં ગૌમાતા માટે કરાયેલી આ અનોખી સેવાની સ્થાનિકો અને યાત્રિકો દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.
