પાટણના ચોરાડામાં જીરાની મબલક ખેતી કરતા ખેડુતો
Live TV
-
નર્મદાના નીરના લીધે 65 હજાર હેકટરમાં જીરાની ખેતી કરી, ખેડુતોએ ઊભી કરી પોતાની બ્રાન્ડ.
પાટણના પાકિસ્તાન અને કચ્છની સીમાઓને જોડતા સાંતલપુર તાલુકામાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ ખેડૂતો ખુમારીપૂર્વક ખેતી કરી રહ્યા છે. ચોરાડ પંથક તરીકે ઓળખાતો આ વિસ્તાર વર્ષો પહેલા પાણી વગર મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે માત્ર એક ચોમાસુ પાક પર આધાર રાખતો, પરંતુ છેલ્લા એક દાયકામાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અહીં નર્મદાનાં નીર પહોંચતા આ વિસ્તાર જાણે નવપલ્લવિત બન્યો. એટલું જ નહિ ખેત તલાવડીઓ ઊભી કરી તેમાં વરસાદી પાણીની સાથે નર્મદાનાં નીર સંગ્રહ કરીને જિલ્લાના 65 હજાર હેક્ટરમાં જીરુનો પાક લીધો. એટલું જ નહિ પરંતુ આ જીરુંને વેલ્યૂ એડ કરી ચોરાડ નામથી નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે.
બનાસ ખેડૂત ઉત્પાદક કંપની, એ રાધનપુર અને સાંતલપુર તાલુકાના 21 ગામના કુલ 990 શેરહોલ્ડર દ્વારા રચવામાં આવેલી છે. 2016થી બનેલી કંપની દ્વારા NCDEX જેવા રાષ્ટ્રીય પ્લેટફોર્મના માધ્યમથી ગુવાર અને જીરાના સોદા કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હવે કંપની વેલ્યૂ એડિશનની દિશામાં એક કદમ આગળ વધી જીરુની નવી બ્રાન્ડ લોન્ચ કરતા ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થવાની આશા છે. કંપનીના ડાયરેક્ટર કરશનજી જાડેજાએ કંપની ની વિગતે માહિતી આપી હતી.
કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કંપની દ્વારા અત્યારે જીરુના ગ્રેડિંગ અને ક્લિનિગ કરી બજારમાં મૂકવાથી ખેડૂતોને સારા ભાવ મળવાની અને નવી રોજગારી ઊભી થવાની આશા વ્યક્ત કરી હતી તેમજ નાબાર્ડ અને રિલાયન્સ ફાઉન્ડેશનના આ કદમને બિરદાવ્યું હતું. સરદાર સરોવરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મારવિયાએ જીરાની ગુણવત્તા માટે બ્રાન્ડના વ્યાપક પ્રચાર પર ભાર મૂક્યો હતો. આ વિસ્તારના પદ્મશ્રી ખેડૂત ગેનાભાઈ પટેલ દ્વારા માર્કેટિંગ ઉપર ભાર મૂકી ચોરાડ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવવા પર ભાર મૂક્યો હતો.
પહેલા મણદીઠ 2500થી 2800 રૂપિયે વેચાતા જીરાના આજે 3200થી વધારે ભાવ ઘરઆંગણે જ મળતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.
આ તકે પશુઆહાર કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાંતલપુરના સૂકા ગણાતા ચોરાડ પંથકમાં ખેડૂત કંપનીના આ પગલાને પ્રધાનમંત્રીના 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરતાં આશાના કિરણ તરીકે જોવાઈ રહ્યું છે