પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ
Live TV
-
મોરારજી દેસાઈ એવુ કહેતા હતા કે, 'જ્યારે પ્રશ્ન દેશની આઝાદીનો હોય તો પરિવારને લગતી સમસ્યાઓ ગૌણ બની જાય છે.' તેમણે પોતાના સિદ્ધાંતોને કદી પરિસ્થિતિને વશ નહોતા થવા દીધા. અત્યંત વિકટ સંજોગોમાં પણ તેઓ પોતાના સિદ્ધાંતોને વળગી રહ્યા હતા. તેઓ કહેતા હતા કે “પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સત્ય અને શ્રદ્ધા મુજબ વ્યવહાર કરવો જોઇએ.”
જ્યાં સુધી ગામડા અને શહેરમાં રહેતા ગરીબ લોકોનુ જીવન સ્તર ઉંચુ નહી આવે ત્યાં સુધી સમાજવાદ વિશે બોલવાનો કોઈ અર્થ નથી આવું કહેનારા સ્વાતંત્ર્ય સેનાની, પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતરત્નથી સન્માનિત મોરારજી દેસાઈની આજે પુણ્યતિથિ છે. તેઓએ ઈ.સ 1918માં બોમ્બેની વિલ્સન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા બાદ ડેપ્યુટી કલેકટર તરીકે 12 વર્ષ સુધી સેવા આપી હતી. ગાંધીજીના અહિંસક નેતુત્વમાં ભારત જ્યારે આઝાદીની લડત લડી રહ્યુ હતુ ત્યારે દાંડી યાત્રાથી પ્રભાવિત થઈને તેમણે સરકારી નોકરી છોડી દીધી. મોરારજી દેસાઇનો ગુજરાતના વલસાડ જિલ્લાના ભંડેલી ગામે 29 ફેબ્રુઆરી 1896ના રોજ જન્મ થયો હતો. તેમના પિતા શાળામાં શિક્ષક હતા અને કડક અનુશાસનમાં માનતા હતા. બાળપણથી જ મોરારજી દેસાઇ તેમના પિતા પાસેથી કઠોર પરિશ્રમ અને કોઇ પણ સંજોગોમાં સત્યને વળગી રહેવાના મૂલ્યો શીખ્યા હતા.
1937માં પ્રથમ કોંગ્રેસ સરકાર રચાઇ ત્યારે મોરારજી દેસાઇ બોમ્બે પ્રોવિન્સના બી.જી.ખેરના નેતૃત્વમાં બનેલા મંત્રીમંડળમાં મહેસૂલ, કૃષિ, જંગલ અને સહકારમંત્રી બન્યા હતા. 1939માં લોકોની મંજૂરી વિના જ ભારત વિશ્વયુદ્ધમાં જોતરાતા કોંગ્રેસના મંત્રીઓએ પદ છોડી દીધા હતા. ગાંધીજી દ્વારા વ્યક્તિગતરૂપે હાથ ધરાયેલા સત્યાગ્રહમાં ભાગ લેતા તેઓની ધરપકડ થઇ હતી અને ઓક્ટોબર, 1941માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 1942માં ક્વીટ ઇન્ડિયા મુવમેન્ટ સમયે તેમની ફરીથી અટકાયત થઈ હતી અને 1945માં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. 1946માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ પછી તેઓ મુંબઇમાં ગૃહ અને મહેસૂલમંત્રી બન્યા હતા.1967માં મોરારજી દેસાઇ શ્રીમતી ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં નાયબ પ્રધાનમંત્રી તરીકે જોડાયા હતા અને નાણામંત્રાલયનો હવાલો સંભાળ્યો હતો. છઠ્ઠી લોકસભા માટે માર્ચ, 1977માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં જનતા પાર્ટીને વિજય અપાવવામાં તેમની મોટી ભૂમિકા હતી. મોરારજી દેસાઇ સુરત બેઠક પરથી લોકસભામાં ચૂંટાઇને આવ્યા હતા. ત્યાર બાદ જનતા પાર્ટીના નેતાપદે સર્વાનુંમતે ચૂંટાતા 24 માર્ચ, 1977ના રોજ તેમણે ભારતના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા.
