બનાસકાંઠા: અજાપુર વાંકા ગામના 85 વર્ષીય ખેડૂતે કરી ચંદનની ખેતી
Live TV
-
અજાપુર વાંકા ગામના મૂળજીકાકાએ આ ઉંમરે "ચંદનની ખેતી" કરી આખા પંથકમાં ખુશ્બુ ફેલાવી છે.
કઈંક નવીન કરવું એ ગુજરાતીઓની ખાસિયત રહી છે અને આવું જ કઈંક કરી બતાવ્યું છે 85 વર્ષીય મૂળજીકાકાએ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના અજાપુર વાંકા ગામના મૂળજીકાકાએ આ ઉંમરે "ચંદનની ખેતી" કરી આખા પંથકમાં ખુશ્બુ ફેલાવી છે. મૂળ પાલનપુર તાલુકાના જગાણા ગામના વતની અને હાલમાં અજાપુરા ગામે ચંદનની ખેતી કરતાં મૂળજીભાઈ વીરસંગભાઈ દેસાઈ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્તિમય જીવન ગુજારે છે.
ચંદનની ખેતી મોટાભાગે દક્ષિણના રાજ્યોમાં થતી જોવા મળે છે, પરંતુ હવે ગુજરાતના ખેડૂતો પણ ચંદનની ખેતીમાં રસ દાખવવા લાગ્યા છે. મૂળજીકાકાએ અજાપુર વાંકા ગામના પોતાના ખેતરમાં 2012માં કર્ણાટકથી ચંદનના 500 રોપાઓ લાવી ચંદનની ખેતીનો પ્રારંભ કર્યો હતો અને આજે તેઓએ 10,000 ચંદનના વૃક્ષોનો ઉછેર કરી સમગ્ર પંથકમાં સુવાસ ફેલાવી રહ્યા છે. યુવાનને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવતા વડીલ યુવાન મૂળજીકાકાએ જણાવ્યું હતું કે, ચંદનના વૃક્ષને પરિપક્વ થવામાં 10 થી 12વર્ષ જેટલો સમય લાગે છે, તેથી આ ખેતી ખૂબ જ ધીરજ માંગી લે તેવી છે.
