રક્ષાબંધન પર્વ પર સરહદના જવાનોને રાખડી મળે તે માટે વડોદરાના શિક્ષકે હાથ ધર્યુ અનોખુ અભિયાન
Live TV
-
આ વર્ષે 12,000થી વધુ રાખડીઓ સરહદ પર તૈનાત ભારતીય સૈન્યનાં જવાનોને મોકલવામાં આવી
વડોદરાના એક શિક્ષકે વિધાર્થીઓના સહયોગથી સરહદનાં જવાનોને રક્ષાબંધનનાં દિવસે રાખડી મળી રહે તેવુ અભિયાન શરૂ કર્યું હતું.જે આજે 6ઠ્ઠા વર્ષે કોરોના કહેરની વચ્ચે પણ અવિરત ચાલુ છે. પ્રથમ વર્ષે માત્ર 75 રાખડીઓ મોકલી હતી.આ વર્ષે 12,000થી વધુ રાખડીઓ સરહદ પર તૈનાત ભારતીય સૈન્યનાં જવાનોને મોકલવામાં આવી છે. 5 વર્ષ પૂર્વે શરૂ થયેલ આ અભિયાનને આજે એટલો મોટો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે ફક્ત વડોદરા જ નહીં પરંતુ દેશ-વિદેશથી તેમને સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો માટે રાખડીઓ અને શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે.. આ વર્ષે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાં પણ 12,000 કરતા વધુ આવેલી રાખડીઓને કારગિલ, સીયાચીન અને ગલવાન ઘાટીમાં ખડે પગે ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવશે. ભારતીય સૈન્યનાં જવાનો માટે દેશના દિલ્હી, મુંબઇ.પુના, કલકતા સહિતનાં 28 શહેરોમાંથી તેમજ વિદેશમાં વસતા ભારતીયોએ રક્ષા બંધનનાં પર્વ માટે રાખડીઓ મોકલી છે. તમામ રાખડીઓની વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરા મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને મોલકનારનાં નામ અને મોબાઈલ નમ્બર સહિત ત્રિરંગા રંગના બોક્સમાં પેક કરવામાં આવી હતી. જેને પોસ્ટ દ્વારા કારગિલ ,સિયાચીન તેમજ ગલવાન ખાતે ફરજ બજાવતા જવાનો ને મોકલવામાં આવી. આ રીતે સરહદ પર દેશની સુરક્ષા કરતા જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રક્ષાબંધનનાં પર્વ બાદ સરહદ પરથી સૈનિકોના લાગણીસભર ફોન કોલ પણ આવે છે તેમજ કેટલાક કિસ્સામાં સૈનિકો દ્વારા બહેનોને ભેટ સોગાદ પણ મોકલવામાં આવે છે. વડોદરાની એક શાળાના આચાર્ય આ મિશન ચલાવી રહ્યા છે તે છે તેમણે દૂરદર્શન સાથેની ખાસ વાતચીતમાં મિશન વિશે વધુ જણાવ્યું હતું
