રાજકોટઃ મહાનગરપાલિકા દ્રારા 50 મીની કુલિંગ એ.સી. ઈલેક્ટ્રીક બસ ખરીદવા અપાઈ મંજૂરી
Live TV
-
રાજકોટ મહાનગરપાલિકા સિટી બસ સેવા માટે 90 સિટી બસ તેમજ 10 બસ બી.આર.ટી.એસ. રૂટ પર ચલાવવામાં આવે છે. હાલમાં, કોરોના મહામારીના કારણે તેમજ સરકારની ગાઈડલાઈન અનુસાર 42 સિટી બસ અને 8 બી.આર.ટી.એસ. બસ ચલાવવામાં આવી રહી છે. સિટી બસ સેવામાં 50 મીની કુલિંગ એ.સી. ઈલેક્ટ્રીક બસ ખરીદવાનું મંજૂર કરવામાં આવ્યું. જેના અનુસંધાને હાલમાં, 1 ઈલેક્ટ્રીક બસ ટ્રાયલ ઝોન માટે આવેલ છે અને હાલમાં ટ્રાયલ ઝોનની પ્રકિયા હાથ ધરવામાં આવેલ છે. ઇલેકટ્રીક બસના ટેસ્ટિંગ બાદ અને કેન્દ્ર સરકારના ટેસ્ટિંગ સર્ટિફિકેટ આવ્યા બાદ ઈલેક્ટ્રીક બસ શહેરમાં ચલાવવામાં આવશે. આગામી થોડા સમય બાદ 35 ઈલેક્ટ્રીક બસ રાજકોટ મહાનગરપાલિકાને મળી જશે. ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 80 ફૂટ રોડ પર ચાર્જીંગ પોઈન્ટની કામગરી ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઇ જશે.
ઈલેક્ટ્રીક બસમાં 24+3=27 સીટિંગની સુવિધા હશે. આ ઉપરાંત, રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ 40 સ્માર્ટ સિટી બસ સ્ટોપ બનાવવાનું આયોજન છે. જેમાં 20 બસ સ્ટોપની કામગીરી પૂર્ણ થયેલ છે અને 20 બસ સ્ટોપ અગામી 30 જુન સુધીમાં પૂર્ણ થઇ જશે.જૂના કાર્યરત 74 બસ સ્ટોપમાં જે બસ સ્ટોપને રીનોવેશન કરવાની જરૂર જણાશે તે બસ સ્ટોપનું રીનોવેશન કરાશે અને બસના ટાઈમ ટેબલ ખરાબ થઈ ગયા હોય ત્યાં ફરીથી નવા ટાઈમ ટેબલ લગાડવા કાર્યવાહી હાથ ધરાશે.
