રાજ્યસભા સાંસદ રાજીવ સાતવનું કોરોનાથી અવસાન
Live TV
-
રાજીવ સાતવના નિધન પર પ્રધાનમંત્રીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો હતો
રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું આજરોજ અવસાન થયુ છે. છેલ્લા ઘણા દિવસોથી રાજીવ સાતવ કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. 22 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, જે બાદ સતત તેમની તબિયત બગડી હતી. રાજીવ સાતવના નિધનથી શોકનો માહોલ ફેલાયો છે.
નિધન પર શોક વ્યક્ત કરતા અનેક રાજકીય નેતાઓએ ટ્વીટ કરીને રાજીવ સાતવને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, સંસદના મારા મિત્ર એવા રાજીવ સાતવજીના નિધનથી દુઃખી છું. તેઓ ભાવિ નેતા તરીકેની અનેક ખૂબીઓ ધરાવતા હતા. તેમના પરિવાર, મિત્રો અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના. તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરી રાજીવ સાતવના નિધન પર ભારે દુખ વ્યક્ત કર્યુ છે.
મહત્વનુ છે કે, રાજીવ સાતવ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાના એક હતા. 21 સપ્ટેમ્બર 1974ના રોજ મહારાષ્ટ્રના પુણેમાં જન્મેલા સાતવ વર્ષ 2008 થી 2010 સુધી મહારાષ્ટ્ર યુવા કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા હતા. વર્ષ 2009 થી 2014 સુધી ધારાસભ્ય રહ્યા, તેમજ વર્ષ 2014માં લોકસભાની હિંગોલી બેઠકથી તેઓ ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ એપ્રિલ 2020માં તેઓ રાજ્યસભાના સાંસદ તરીકે પસંદગી પામ્યા હતા.
રાજીવ સાતવના દુઃખદ અવસાનના સમાચાર મળતા, રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે શોક વ્યક્ત કરતા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
