વડનગરમાં ‘સ્વદેશી મેળા’ની જમાવટ: લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ નગરજનોના દિલ જીત્યા
Live TV
-
વડનગરમાં ‘સ્વદેશી મેળા’ની જમાવટ: લેસર શો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ નગરજનોના દિલ જીત્યા
ઐતિહાસિક નગરી વડનગર ખાતે સ્થાનિક હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાના ઉમદા હેતુ સાથે વડનગર નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળા’ એ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ મેળો માત્ર વ્યાપારનું કેન્દ્ર જ નહીં, પરંતુ સાંસ્કૃતિક મિલન અને મનોરંજનનું ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યો છે.
56 થી વધુ સ્ટોલ્સ: સ્થાનિક કળાનો સંગમ
મેળામાં આશરે 56 જેટલા વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે કલાકારો દ્વારા તૈયાર કરાયેલ અનોખી ચીજવસ્તુઓ, સ્થાનિક સ્તરે બનેલી ઘરગથ્થુ વસ્તુઓ, ખાણીપીણીના વિવિધ સ્ટોલ્સ જે મુલાકાતીઓમાં લોકપ્રિય બન્યા છે.
લેસર શો અને ‘જય જય ગરવી ગુજરાત’નો ગુંજારવ
મેળાનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો છે. તાજેતરમાં યોજાયેલા વિશેષ લેસર શોએ આકાશમાં રંગોની છોળો ઉડાડી હતી. ગુજરાતના ગૌરવગાન “જય જય ગરવી ગુજરાત” પર આધારિત લેસર પ્રદર્શને ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી. આ સાથે જ આધુનિક બીમ શો દ્વારા આખું મેદાન ઝળહળી ઉઠ્યું હતું, જેનો આનંદ ખાસ કરીને યુવાવર્ગ અને બાળકોએ મન ભરીને માણ્યો હતો.
બાળકો માટે મનોરંજન અને ઈનામો
કાર્યક્રમની શરૂઆત પહેલા બાળકો માટે ખાસ રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ રસપ્રદ ગેમ્સ રમાડવામાં આવી હતી અને વિજેતા બાળકોને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
