વાપી મહાનગરપાલિકા પ્રથમવાર રજૂ કરશે લગભગ 650 કરોડ રૂ.નું ઐતિહાસિક બજેટ
Live TV
-
વાપી મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2026-27 માટે આશરે 650 કરોડ ₹ નું પ્રથમ ઐતિહાસિક બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. કમિશનર યોગેશ ચૌધરીની ટીમ બજેટને અંતિમ સ્વરૂપ આપી રહી છે અને આગામી દિવસોમાં વહીવટદાર ભવ્ય વર્મા સમક્ષ તેને રજૂ કરવામાં આવશે. અગાઉ પાલિકા તરીકે વાપીનું બજેટ લગભગ 150 કરોડ ₹ હતું, જ્યારે મહાનગરપાલિકા બન્યા બાદ બજેટનું કદ લગભગ ચાર ગણું વધવાનું માનવામાં આવી રહ્યું છે.
નવી મહાનગરપાલિકામાં ચણોદ, ડુંગરા, બલીઠા અને સલવાવ સહિત કુલ 13 ગામોનો સમાવેશ થયો છે. આ વિસ્તારોમાં હજુ પણ ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઈટ અને પાકા રસ્તા જેવી મૂળભૂત સુવિધાઓની જરૂરિયાત છે. તેથી નવા બજેટમાં આ ગામોમાં આધારભૂત સુવિધાઓના વિકાસ માટે ખાસ ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
શહેરમાં GIDC ચાર રસ્તા અને મુખ્ય બજારોમાં વધતી ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પણ તંત્ર યોજના બનાવી રહ્યું છે. બજેટમાં નવા ફ્લાયઓવર અથવા અંડરપાસ માટે નાણાં ફાળવાઈ શકે છે. સાથે જ ઉનાળામાં પાણીની તંગી દૂર કરવા માટે નવા વોટર ટાંકા અને ફિલ્ટર પ્લાન્ટ ઉભા કરવાની યોજનાઓને પણ મહત્વ આપવામાં આવી શકે છે.
બજેટ રજૂ થાય તે પહેલાં જ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ બજેટ અંગે સવાલો ઉઠાવ્યા છે અને ભ્રષ્ટાચાર તથા વધતા વેરા અંગે ચિંતા વ્યક્ત કરી છે. બીજી તરફ નાગરિકો શહેરના વિકાસ માટે આ બજેટમાંથી નવી સુવિધાઓ, સ્માર્ટ પ્રોજેક્ટ્સ અને સુધારેલી સફાઈ વ્યવસ્થાની આશા રાખી રહ્યા છે.
