વડનગરમાં 150 વર્ષ જૂની ભવાઈની પરંપરા જીવંત
Live TV
-
વડનગરમાં 150 વર્ષ જૂની ભવાઈની પરંપરા જીવંત: સોનગરા ચૌહાણ પરિવારે ધૂળેટીએ સંસ્કૃતિનું જતન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગરી વડનગરમાં આજે પણ પ્રાચીન ભારતીય લોકકલાના મૂળિયાં મજબૂત જોવા મળે છે. ધૂળેટીના પાવન પર્વે વડનગરના નદીઓળ દરવાજા વિસ્તારમાં આવેલ નાનો હાટકેશ્વર ઠાકોર વાસ ખાતે સોનગરા ચૌહાણ પરિવાર દ્વારા છેલ્લા 150 વર્ષથી અવિરતપણે 'ભવાઈ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોબાઈલ અને ઈન્ટરનેટના આધુનિક યુગમાં પણ આ પરિવાર પોતાની સાત પેઢી જૂની પરંપરાને ગૌરવભેર આગળ ધપાવી રહ્યો છે.
પુરુષો જ ભજવે છે તમામ પાત્રો
આ ભવાઈની સૌથી મોટી વિશેષતા એ છે કે, સ્ત્રી પાત્રો સહિતના તમામ વેશ પુરુષો દ્વારા જ ભજવવામાં આવે છે. પરંપરાગત વેશભૂષા, મુગટ, તલવાર અને રાજાશાહી પહેરવેશ સાથે કલાકારો જ્યારે મંચ પર ઉતરે છે ત્યારે પ્રાચીન સંસ્કૃતિ જીવંત થઈ ઉઠે છે. આ કાર્યક્રમનું સંચાલન આશાપુરા યુવક મંડળ અને સોનગરા ચૌહાણ પરિવારના સહિયારા પ્રયાસોથી કરવામાં આવે છે.
રામાયણથી લઈ જસમા ઓડણ સુધીના વેશ
કાર્યક્રમ દરમિયાન વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. રામાયણ: રામ-લક્ષ્મણની ગાથા અને રાવણ વધના જીવંત દ્રશ્યોએ પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. લોકપ્રિય પ્રસંગો જેવા કે 'જસમા ઓડણ', 'વીર માંગડાવાળો' અને 'વણઝારા'ના વેશ ભજવીને કલાકારોએ મનોરંજન સાથે સામાજિક સંદેશ પણ આપ્યો હતો.
સાંસ્કૃતિક વારસાનું વહન
સોનગરા ચૌહાણ પરિવારના યુવાન જેસંગજી ઠાકોરે માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમારા પૂર્વજોના સમયથી, અંદાજે 700 વર્ષ જૂનો વારસો અમે આજે પણ સાચવી રહ્યા છીએ. વડનગરમાં હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં અમારો આખો પરિવાર એકઠો થઈને નવી પેઢીના બાળકોને પણ આ કલા શીખવે છે. અમારો ઉદ્દેશ્ય આજની પેઢીને આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ અને રામાયણ જેવા ગ્રંથોના પાત્રોથી અવગત કરાવવાનો છે."
લોકોમાં ભારે ઉત્સાહ
આ પ્રાચીન લોકનાટ્યને નિહાળવા માટે માત્ર વડનગર જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. વૃદ્ધોથી લઈ બાળકો સુધીના તમામ લોકોએ પરંપરાગત સંગીતના તાલે ભવાઈનો આનંદ માણ્યો હતો. આયોજનના અંતે વડનગરની ધરતી પર ગુંજતા નગારા અને શરણાઈના સૂર એ વાતની સાક્ષી પૂરતા હતા કે લોકકલા આજે પણ લોકહૈયામાં જીવંત છે.
