સુરતમાં ચા રસીયાઓ માટે બને છે ફ્રુટ ટીઃ ચામાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ, ચીકુનો માવો નખાય છે
Live TV
-
સુરત સહિત ભારતમાં ૧૭મી સદી (૧૬૪૮)માં ચાની એન્ટ્રી કરવાનો શ્રેય સુરતના વેપારી વિરજી વોરાને ફાળે જાય છે. આજથી ૩૭૦ વર્ષ પહેલાં સુરતમાં ચાની એન્ટ્રી બાદ તાપી નદીમાં અનેક પાણી વહી ગયાં પણ સુરતીઓનો ચા પ્રત્યેનો લગાવ યથાવત જળવાઈ રહ્યો છે. સુરતીઓની ચા પ્રત્યેનો ક્રેઝના કારણે અત્યાર સુધી સાદી ગણાતી ચા પણ ફ્લેવર્ડ ચા બની ગઈ છે. સુરતમાં એક નાનકડી ચાની લારી એવી છે કે જેમાં ચા, ખાંડ અને દૂધની સાથે સાથે વિવિધ પ્રકારના ફ્રુટ કાપીને નાંખવામાં આવી રહ્યા છે અને બની રહી છે ફ્રૂટ ટી.
અત્યાર સુધીમાં આપણે ચાને વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં ચા ખાંડ, દૂધ અને મસાલા સાથે આદુ, લીલી ચા, ફુદીનો કે તુલસી નાંખીએ છીએ. પરંતુ સુરતમાં બની રહેલી આ ફ્રુટ ટીમાં સફરજન, કેળું, કેરી, સીતાફળ, જાંબુ કે ચીકુ જેવા ફ્રુટનો માવો કે ચોકલેટ, કોકો જેવી વસ્તુઓ નાંખવામાં આવે છે. લોકો ન માની શકે તેવી આ અનોખી ફ્રુટ ટી હાલ સુરતમાં સોનીફળિયા પાણીની ભીત ખાતે એક નાનકડી ચાની લારી પર બની રહી છે. આ અનોખી ચા બનાવતા મનીષભાઈ જણાવે છે કે, 'તેમની લારી પર ઘણા ચાના શોખીન ફ્રુટ ટી પી રહ્યાં છે.'
ચા પીવા આવતાં લોકો કહે છે, પહેલાં ફ્રુટના ટેસ્ટવાળી ચા અજુગતું લાગતું હતું. પરંતુ નજર સામે ચા બની અને ટેસ્ટ પણ ભાવ્યો હોવાથી અમે જુદા-જુદા ફ્રુટના ટેસ્ટની ચા ટેસથી પીએ છીએ. હવે તો ગ્રાહકો જે ફ્રુટની ચા માગે તે ફ્રુટના ચા બનાવવા માટે મનીષભાઈ તૈયાર રહે છે. ચા રસીયાઓ જણાવે છે કે, 'સાદી ચા પીવાથી કંટાળો આવે ત્યારે સમયાંતરે અમે વિવિધ ફ્રુટ કે સિઝનલ ફ્રુટની ચા ભેગા મળીને પીએ છીએ.'
