27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ, તો એક નજર ગુજરાતના સૌરાષ્ટ્રની કુદરતી વિરાસત પર
Live TV
-
27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ, તો એક નજર ગુજરાતના સૌરાષ્ટ્રની કુદરતી વિરાસત પર
27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ. વિશ્વ પર્યટન દિવસની ઉજવણીનો હેતુ વિશ્વભરમાં પર્યટન વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો છે. પ્રવાસન વ્યક્તિને વિશ્વની સાથે જોડે છે અને પોતાની જાત સાથે પણ જોડે છે. તો આજે આપણે વાત કરીશું ગુજરાતના સૌરાષ્ટ્રની... જ્યાં ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની છે કુદરતી વિરાસત. સૌરાષ્ટ્રના દરિયા, પર્વતો, જંગલો, રણની ભૌગોલિક વિરાસતો, સ્થાપત્યો અને ઐતિહાસિક સ્થળો પ્રવાસીઓમાં છે હોટ ફેવરિટ. એક એવું ડેસ્ટીનેશન જ્યાં છે દરિયા, પર્વતો અને જંગલોની જુગલબંધી. દ્વારકા, સોમનાથ, ગિરના જંગલો, ચોટીલા, માટેલ, ઘેલા સોમનાથ, વીરપુર, માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, જેસલ તોરલ સમાધી, ધોળાવીરા, રણોત્સવ, ખીજડીયા પક્ષી અભ્યારણ, પીરોટન ટાપુ, શિવરાજપુર બીચ, પીંડારા, ઓસમ ડુંગર, બરડો ડુંગર, વિર માંગળાવાળાની જગ્યા, કિલ્લેશ્વર સહિતના સ્થળો છે લોકપ્રિય.
છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારની આવકારદાયક પ્રવાસન નીતિને કારણે અનેક લોકો સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત ટુરીઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે આવા ગુજરાતના મહત્વના પ્રવાસન સ્થળો ખાતે વિવિધ મેળા તેમજ અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. ગુજરાતની સફરે આવતા પર્યટકો માટે https://www.gujarattourism.com ઉપર વિવિધ વિસ્તારોની માહિતી, જોવા અને માણવા લાયક સ્થળો, વિશેષતા જોવા મળશે. દર વર્ષે બહારથી આવતા લાખો પ્રવાસીઓ ગુજરાતની ખાનપાન, પરંપરા, પ્રતિષ્ઠાને જાણે અને માણે છે. પર્યટન ક્ષેત્ર માટે અંદાજપત્રમાં દર વર્ષે વિશેષ જોગવાઈ કરવામાં આવે છે તેમજ તેના વિકાસ માટે ગુજરાત સરકાર સતત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં કાર્યરત છે જેના માટે વિશેષ રીતે હેરિટેજ પોલિસી જેવી અનેક પોલિસીઓ કાર્યરત છે.
