શું આપે કયારેય સાંભળ્યું કે તરબૂચને મીઠા અને સ્વાદિષ્ટ બનાવવા શેરડીના રસનો પિયત તરીકે ઉપયોગ થાય છે, જી હા..!
Live TV
-
ગીરના ડોળાસા ગામમાં એક ખેડૂતે પોતાના દોઢ વીઘાના તરબૂચને મીઠા અને સ્વાદિષ્ટ બનાવવા માટે 400 લીટર શેરડીનો રસ કાઢી અને ટપક સિંચાઇ પદ્ધતિ દ્વારા પિયત કરવામાં આવ્યું છે, જે તરબૂચની હાલ બહુ માંગ થઈ છે. લોકો પણ આ તરબૂચ ખાયને વખાણી રહ્યા છે. પૂર્ણ પ્રાકૃતિક રીતે ઉજરેલા આ તરબૂચ ખૂબજ વાજબી દામે બજાર ભાવે જ વેચાય છે. આમ છતાં આ ખેડૂત સારો એવો નફો રળી લે છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ મોરી છેલ્લા બે વર્ષથી તરબૂચની પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રથમ વર્ષે ઓછું ઉત્પાદન થયું પરંતુ આ વર્ષ મબલખ ઉત્પાદન થયું.માત્ર 10 રૂપિયે કિલો લેખે તરબૂચ વેચ્યા. આમ છતાં એક વિઘે 1 લાખ રૂપિયાની આવક થઈ છે. ઓછા ખર્ચે મબલખ કમાણી પ્રાકૃતિક ખેતી વડે કરી આ ખેડૂતે પોતાની દોઢ વિઘા જમીનમાં તરબૂચ વાવ્યા હતા. આ દોઢ વિઘામાં 400 લીટર શેરડીનો રસ ટપક સિંચાઈ પદ્ધતિ વડે આપ્યો હતો. તો સાથે કુદરતી ખાતરનો જ ઉપયોગ કર્યો. તરબૂચનું ઉમદા બિયારણ તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માંથી જ લાવતા હતા. એક પણ પ્રકારે રાસાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરવાનો નહીં. જેથી તેનો ખર્ચ બચે.શેરડી પણ ઘરની હતી. તેનો રસ કાઢી 400 લીટર રસ ટપક પદ્ધતિ વડે તરબૂચના વેલાને પાયો. અને અદભુત કુદરતી મીઠાશ વાળા તરબૂચ પાક્યા. તરબુચ 60 દિવસમાં પાકે તેના બદલે 50 પાકી ગયા હતા.
હા,, સાઈઝમાં થોડા નાના હોય પણ સ્વાદ અને સોડમ અનેરી હોય.આ ઉપરાંત કેમિકલ વગરના હોય પૌષ્ટિક પણ ખરા. આ ખેડૂતને દોઢ વિઘા માંથી દોઢ લાખ રૂપિયાના તરબૂચ થયા. 50 હજાર ખર્ચ, તો પણ ચોખ્ખી એકલાખ રૂપિયાની કમાણી થઈ.
કોડીનારના ડોળાસા ગામના પ્રગતિશીલ ખેડૂત તરબૂચની સાથે અન્ય પાક મરચા, બાજરીની પણ પ્રાકૃતિક ખેતી કરે છે. એમાં પણ ખાસ કરીને તેમના તરબૂચ લોકો નામથી ખરીદવા આવે છે. તેઓએ બજારમાં ક્યાંય વેચવા જાવા પડતા નથી.લોકોમાં એક એવી સારી છાપ પણ ઉભી થઇ છે કે, 'ચંદુભાઈના તરબૂચ હોય એટલે સ્વાદિષ્ટ અને મીઠા તેમજ આરોગ્ય પ્રદ જ હોય.ભાવ પણ ખૂબ વાજબી 10 રૂપિયે કિલો...!!'
ચંદુભાઈના તરબૂચ ખરીદવા લોકો પડાપડી કરતા હોય છે. કારણ પ્રાકૃતિક ઉત્પાદન જે લોકો નજર સમક્ષ જ જોઈ શકે છે.આ ઉપરાંત તરબૂચની મીઠાશ અનેરી હોય છે.ભર ઉનાળામાં આ તરબૂચ આરોગવાથી લોકોને ઉત્તમ સ્વાદની સાથે શ્રેષ્ઠ આરોગ્યની પણ ખાત્રી મળે છે.