GTU ના 16મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
Live TV
-
ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે દેશ વિદેશમાં રાજ્યનું નામ રોશન કરનાર અને ગુજરાતની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એટલે કે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ ( જીટીયુ ) 15 વર્ષ પૂર્ણ કરીને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે અગ્રહરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપલક્ષે જીટીયુ ચાંદખેડા કેમ્પસ ખાતે 16મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે AICTEના ચેરમેન પ્રો. ટી. જી. સીતારામ, S-VYASA યુનિવર્સિટીના કુલાધીપતિ ડૉ. એચ. આર. નાગેન્દ્ર, જીટીયુના પૂર્વ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ, કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલ, કુલસચિવ ડૉ. કે. એન. ખેર ઉપસ્થિત રહ્યા હતાં.
જીટીયુના સ્થાપના દિવસે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરતાં કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા વાવેલાં આ ટેક્નિકલ બિજ વટવૃક્ષ બનીને દેશ અને વિદેશમાં પણ ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ટૂંકાગાળામાં જીટીયુએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ મેળવેલ છે. જેનો સંપૂર્ણ શ્રેય વિદ્યાર્થીઓ, ફેકલ્ટીઝ અને સમગ્ર જીટીયુ પરિવારને ફાળે જાય છે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેરે પણ સમગ્ર જીટીયુ પરિવારને 16મા સ્થાપનાદિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે AICTEના ચેરમેન અને S-VYASA યુનિવર્સિટીના કુલાધીપતિ દ્વારા આઈડિયા લેબ. અને બ્લોકચેઈન ટેક્નોલોજી સેન્ટર ઑફ એક્સલેન્સનું ઉદ્ધાટન તથા AIC, IKS અને GPERIની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. તેમજ ગુજરાતીમાં અનુવાદ કરેલા 20 જેટલાં યુજી અને ડિપ્લોમા એન્જિનિયરીંગના પુસ્તકોનું વિમોચન કરાયું તથા અનુવાદ કરનાર અનુવાદકોને પણ જીટીયુ દ્વારા સન્માનવામાં આવ્યા હતાં.
S-VYASA યુનિવર્સિટીના કુલાધીપતિ ડૉ. એચ. આર. નાગેન્દ્રએ સંબોધતાં જણાવ્યું હતું કે, યોગ થકી આપણે પર્સનાલિટી ડેવલોપમેન્ટ અને દરેક કાર્યમાં પરફેક્શન મેળવી શકીયે છીએ. દરેક વિદ્યાર્થીઓએ યોગને અપનાવવો જોઈએ. જીટીયુના સ્થાપનાદિને યોગા ઈન IQ ડેવલોપમેન્ટ, ઈગો અને એંગર મેનેજમેન્ટ, આઈસાઈટ ઈમ્પ્રુવમેન્ટ, યોગા ઈન ફિઝિકલ સ્ટેમીના અને યોગા ઈન સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવા AICTEના 6 યોગા ક્રેડિટ કોર્સ લોન્ચ કરાયાં છે. જે બદલ અમે AICTE અને જીટીયુના આભારી છીએ.
AICTEના ચેરમેન પ્રો. ટી.જી.સીતારામે આ પ્રસંગે જણાવ્યું હતું કે, NEP-2020ના અમલીકરણ સહિત દરેક આયામ પર રીસર્ચ અને લર્નિંગ બાબતે કાર્યરત રહીને જીટીયુએ તાજેતરમાં નેક A+ ગ્રેડ મેળવેલ છે. ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે રીસર્ચનું મહત્વ ખૂબ જ છે. રીસર્ચમાં ગાઈડનું યોગદાન પણ બહુમૂલ્ય હોય છે. જીટીયુ દ્વારા ગાઈડનું સન્માન કરવાની બાબત અભિનંદનને પાત્ર છે. ઉજવણી પ્રસંગે જીટીયુના ફેકલ્ટીઝ અને સ્ટાફગણને બેસ્ટ એમ્લોઈઝ, બેસ્ટ સેક્શન, સ્પેશ્યલ એવોર્ડ, ગત શૈક્ષણીક વર્ષ દરમિયાન જીટીયુ સંલગ્ન સંસ્થાઓ કે જેમણે NBA અને NAAC એક્રિડિટેશન મેળવ્યું છે , તેવી તમામ સંસ્થાના પ્રતિનિધિને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તેમજ બેસ્ટ પી.એચડી. સુપવાઈઝર અને બેસ્ટ થીસીસને પણ એવોર્ડ આપીને સન્માનીત કરાયા હતાં. વિશેષમાં આ પ્રસંગે જીટીયુ સંલગ્ન તમામ સંસ્થામાં નશા મુક્ત ભારત અભિયાન અને મેગા મેડિકલ હેલ્થ કેમ્પ યોજવા સંબધે જીટીયુ અને અને રોટરી ક્લબ – અમદાવાદ સૂર્યોદય વચ્ચે MOU કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના સફળ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે તમામ સેક્શન હેડ અને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતાં.