કેપટાઉન ટેસ્ટ : સિરાજની ઘાતક બોલિંગ, દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રનમાં સમેટાઈ
Live TV
-
મોહમ્મદ સિરાજ (9 ઓવર, 15 રન, 6 વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ભારતે બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે લંચ પહેલા દક્ષિણ આફ્રિકાને માત્ર 55 રનમાં જ રોકી દીધું. ભારત સામે ટેસ્ટમાં આ સાઉથ આફ્રિકાનો સૌથી ઓછો સ્કોર છે. સિરાજ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને મુકેશ કુમારે પણ બે-બે વિકેટ લીધી હતી.
આ મેચમાં પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા દક્ષિણ આફ્રિકાના કાર્યકારી કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે સંપૂર્ણપણે ખોટો સાબિત કર્યો હતો.
સિરાજે મેચની ચોથી ઓવરમાં એડન માર્કરામ (02)ને સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ કરાવી વિકેટ લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને 47 રન સુધી પહોંચીને તેણે મેચમાં પોતાની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન, તેણે 9 ઓવર ફેંકી અને ત્રણ મેડન આપીને 6 વિકેટ લીધી. સિરાજ સિવાય અનુભવી ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને મુકેશ કુમારે પોતાની પ્રથમ ટેસ્ટ રમીને 2-2 વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાએ સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં એક ઇનિંગ અને 32 રને જીતી લીધી હતી અને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.