ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું, બટલર 97 રન સાથે અણનમ
Live TV
-
રાહુલ તેવતિયાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો અને બીજા બોલ પર ચોગ્ગો મારીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 35મી મેચમાં ગુજરાત ટાઇટન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટથી હરાવ્યું છે. ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ યોજાઇ હતી. જ્યાં ગુજરાતને જીતવા માટે દિલ્હીએ 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો. ગુજરાત તરફથી જોસ બટલરે અણનમ 97 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઈટન્સે રચ્યો ઇતિહાસ
IPLના ઇતિહાસમાં, જ્યારે પણ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરીને 200 કે તેથી વધુ રન બનાવ્યા છે, ત્યારે તેઓએ દરેક મેચમાં ટાર્ગેટનો બચાવ કર્યો છે. ગુજરાત સામેની શનિવારની મેચ પહેલા દિલ્હીએ 13 વખત આવું કર્યું હતું. પરંતુ ગુજરાત ટાઇટન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગની પહેલી ટીમ બની છે, જેણે IPLમાં દિલ્હી સામે 200થી વધુ રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યો છે.
જોસ બટલરનો જાદુ ચાલ્યો
ગુજરાત ટાઇટન્સે 74 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ, જોસ બટલર અને શેરફાન રૂથરફોર્ડે એવી રીતે જવાબદારી સંભાળી કે તેઓ ગુજરાતને વિજયની નજીક લઈ ગયા. ટાર્ગેટ પ્રાપ્ત થાય તે પહેલાં રૂથરફોર્ડ 43 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ રાહુલ તેવતિયાના છગ્ગાએ ગુજરાતની જીતમાં વધારો કર્યો.
ગુજરાતને છેલ્લી ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી અને મિશેલ સ્ટાર્ક બોલિંગ કરી રહ્યો હતો. સ્ટાર્ક, જેમણે છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સુપર ઓવરમાં દિલ્હીને જીત અપાવી હતી. રાહુલ તેવતિયાએ છેલ્લી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો અને બીજા બોલ પર ચોગ્ગો મારીને ગુજરાતની જીત સુનિશ્ચિત કરી. જોસ બટલર 97 રન બનાવીને અણનમ રહ્યો.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સૌથી મોટો સફળ રન ચેઝ
આ IPLના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેળવેલ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ મેદાન પર સૌથી મોટા લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કરવાનો રેકોર્ડ KKRના નામે છે, તેણે 2023 માં ગુજરાત સામે 206 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. હવે ગુજરાત આ યાદીમાં બીજા સ્થાને આવી ગયું છે. તે જ સમયે, RCBએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 200થી વધુના લક્ષ્યનો પીછો પણ કર્યો છે.