ગુજરાત ટાઈટન્સ રાજસ્થાનને હરાવીને ફાઈનલમાં પહોંચ્યું, હાર્દિક-મિલરે શાનદાર ઈનિંગ રમી
Live TV
-
ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2022ની સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાઈ હતી.
ગઈકાલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPL 2022ની સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઈનલમાં પોતાનું સ્થાન મેળવી લીધું હતું. પોતાની ડેબ્યુ સીઝનમાં જ ફાઈનલમાં પહોંચનાર ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ બની ગઈ છે.
ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની શરુઆત સારી રહી હતી. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલરે 56 બોલમાં 89 રન બનાવ્યા હતા. આ સાથે સંજુ સેમસને 47 અને પડિકલે 28 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે 20 ઓવરના અંતે રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા અને ગુજરાતને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન ગુજરાતના મોહમ્મદ શમી, યશ દયાલ, આર.સાઈ કિશોર અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ ઝડપવામાં સફળતા મળી હતી.
189 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની પહેલી ઓવરમાં જ રિદ્ધીમાન સાહા બોલ્ટના બોલ પર આઉટ થયો હતો. ત્યાર બાદ શુભમન ગીલે અને મેથ્યુ વેડે બાજી સંભાળી હતી. ગીલે 35 રન અને વેડ 35 રન બનાવીને આઉટ થયા હતા. ત્યાર બાદ બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યા અને ડેવિડ મિલરે મેચ વિનીંગ ઈનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં ડેવિડ મિલરે હેટ્રિક સિક્સર ફટકારીને મેચ જીતી લીધી હતી. પંડ્યા 40 રન અને મિલર 68 રન બનાવીને અણનમ રહ્યા હતા. ગુજરાતે છેલ્લી ઓવરના 3 બોલ બાકી રાખીને 191 રન બનાવ્યા હતા.
