છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં સાનિયા બ્રાઝિલની ટીમ સામે હારી, રોઈ પડી
Live TV
-
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સપનું બ્રાઝિલની જોડી લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસે રગદોળી નાંખ્યું હતું. 36 વર્ષની સાનિયા અને 42 વર્ષીય રોહન બોપન્ના ઓસ્ટ્રેલિયા ઓપનની મિક્સ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલના લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસ સામે હારી ગયા હતા. લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડી પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમ જીતવામાં સફળ રહી છે.
ફાઈનલ મેચ બાદ જ્યારે સાનિયાને મેલબર્ન રોડ લેવર એરેનામાં ભાષણ માટે બોલાવવામાં આવી ત્યારે તે રડી પડી હતી. તેણે કહ્યું - આ ખુશીના આંસુ છે. 18 વર્ષ પહેલા મેલબર્નમાં કરિયરની શરૂઆત થઈ હતી, તેને પૂરી કરવા માટે મેલબર્નથી સારી જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં. મને અહીં ઘરની અનુભૂતિ કરાવવા બદલ આપ સૌનો આભાર.
તેણે લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની બ્રાઝિલની જોડીને પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે તે બંને ખૂબ જ સારી રીતે રમ્યા. તેઓ જીતવા લાયક હતા. તેણે તેની સાથે રમવા બદલ રોહન બોપન્નાનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેણે રોહન સાથે પહેલી મિક્સ્ડ જોડી બનાવી. તેને 22 વર્ષથી ઓળખે છે. તે એક સારા પાર્ટનરની સાથે બેસ્ટ ફ્રેન્ડ પણ છે.
