નવી દિલ્હી : ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવમાં 105 ચંદ્રકો જીતીને હરીયાણા પ્રથમ ક્રમે, 57 ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે
Live TV
-
ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં 105 ચંદ્રકો સાથે હરીયાણા પ્રથમ ક્રમે રહ્યું છે. 10 ડીસેમ્બરે શરૂ થયેલા આ રમતોત્સવનું ગઇકાલે સમાપન થયું છે. વિવિધ રાજયોના 1450 પેરા ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. 40 સુવર્ણ, 39 રજત અને 20 કાંસ્ય સહિત 105 ચંદ્રકો સાથે હરીયાણા પ્રથમ સ્થાને 25 સુવર્ણ, 23 રજત અને 14 કાંસ્ય સહિત 62 ચંદ્રકો સાથે ઉત્તરપ્રદેશ બીજા 20 સુવર્ણ સહિત 42 ચંદ્રકો સાથે તમિલનાડુ ત્રીજા ક્રમે રહ્યું છે. જયારે 15 સુવર્ણ, 22 રજત અને 20 કાંસ્ય સહિત 57 ચંદ્રકો સાથે ગુજરાત ચોથા ક્રમે રહ્યું છે.
સમાપન સમારોહને સંબોધતા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ રમતોત્સવને માન, જુસ્સા અને ભાવનાની ઉજવણી ગણાવતા તેને ભારતીય રમતોત્સવનું ઐતિહાસિક પ્રકરણ છે તેમ જણાવ્યું. ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવ 2023 એ ભારત સરકારની ખેલો ઈન્ડિયા પહેલમાં નવીનતમ ઉમેરો છે, જેમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સનો પણ સમાવેશ થાય છે.
2017 થી ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ખેલો ઈન્ડિયા પહેલ હેઠળ અત્યાર સુધીમાં પાંચ ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ, ત્રણ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, ત્રણ ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ અને એક ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં સાત રમતોમાં યોજાઈ હતી - પેરા એથ્લેટિક્સ, પેરા શૂટિંગ, પેરા તીરંદાજી, પેરા ફૂટબોલ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, પેરા વેઈટલિફ્ટિંગ. જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નું ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ, તુગલકાબાદમાં શૂટિંગ રેન્જ અને જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ એમ ત્રણ અલગ-અલગ જગ્યાએ યોજાઈ હતી. પેરા ફૂટબોલ અને ટેબલ ટેનિસ બંને ઇવેન્ટ 17 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઈ હતી.