પાટણઃ ખેડૂતની પુત્રી પુના ખાતે 42 કિમી મેરેથોન દોડમાં દેશમાં પ્રથમ ક્રમે આવી
Live TV
-
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રામીણ ક્ષેત્રની યુવા પ્રતિભાઓ રમતગમત ક્ષેત્રમા પણ પ્રતિભા બહાર આવે તે માટે ખેલ મહાકુંભથી લઈ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કૂલો શરૂ કરાવી હતી અને પ્રધાનમંત્રી બન્યા બાદ પણ ખેલો ઇંડિયા ફીટ ઇંડિયા મૂવમેન્ટ શરૂ કરી જેની આજે ફલશ્રુતિ સ્વરૂપે આજે સુનીતા ગાયકવાડથી લઈ પાટણ પાસે આવેલા હાજીપુર ગામની ખેડૂત પરિવારની દીકરી પણ 42 કિમી મેરેથોનમાં દેશમાં અવ્વલ આવી અને વિશ્વમાં ચોથો ક્રમ હાંસલ કરી 1.75 લાખ નુ ઇનામ મેળવ્યું છે. એટલું જ નહી આ ગામની બીજી 12 જેટલી દીકરીઓ પણ રાજ્યથી લઈ દેશ લેવલે વિવિધ રમતો રમી નામ રોશન કર્યુ છે.
રૂક્ષ્મણી વિદ્યાલય, હાજીપુર, એથ્લેટીક્સ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી ઠાકોર નિરમા ભરતજીએ પુના ખાતે યોજાયેલ પુના ઈન્ટરનેશનલ મેરેથોનમાં 42 કિલોમીટર (ફૂલ મેરેથોન )માં સમગ્ર વિદેશી - ભારતીય મહિલાઓમાં ચતુર્થ ક્રમાંક અને ભારતીય મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવી હાજીપુર ગામ અને સમગ્ર પાટણ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
ડિસેમ્બર મહિનામાં પુના ખાતે યોજાયેલ પુના ઇન્ટરનેશનલ મેરેથોનમાં, યુથોપીયા, કેન્યા, ડેનમાર્ક અને ભારત વગેરે દેશોના અંદાજિત 45 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો તેમાં પાટણ તાલુકાના હાજીપુરના ઠાકોર મંગાજી ઓધરજીના પુત્ર ઠાકોર ભરતજીની દીકરી અને હાજીપુર ગામની લોન્ગ ડિસ્ટન્સ રનર ઠાકોર નિરમા ભરતજીએ ભાગ લીધો હતો. તેણે 42 કિલોમીટર દોડ 3 કલાક અને 9 મિનિટ પૂરી કરી.
ઠાકોર નિરમા છેલ્લા 8 વર્ષથી તેના કોચ રમેશભાઈ રબારી પાસે રૂક્ષ્મણી વિદ્યાલય હાજીપુર એથ્લેટીક્સ ટ્રેનિંગ સેન્ટરમાં ખૂબ સખત પ્રેકટીસ કરે છે, ત્યારે કોચ રમેશભાઈ જણાવે છે કે સરકારની રમતગમત ક્ષેત્રે પ્રતિભા બહાર આવે તે માટેની નીતિ રંગ લાવી રહી છે આજે હાજીપુર ગામની 12થી વધારે દીકરીઓ ખેલ મહાકુંભ થી લઈ વિવીધ સ્પર્ધાઓમાં વર્ષે 30 લાખના ઇનામો જીતી ચૂકી છે જેને પગલે તેમના પરિવારો પણ દીકરીઓ માટે મહેનત કરે કરે છે અને ગૌરવ અનુભવે છે
