પેરિસ ઓલિમ્પિક્સ: મનુ ભાકરે પોતાનો મેડલ ભારતને સમર્પિત કર્યો
Live TV
-
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ઓલિમ્પિકમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય મહિલા શૂટર છે. ટોક્યો ઓલિમ્પિકમાં નિષ્ફળતા બાદ મનુ ભાકર માટે આ મોટી સિદ્ધિ છે. મનુ ભાકરે આ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટિંગ હું NRAI, SAI, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, કોચ જસપાલ રાણા, હરિયાણા સરકાર અને OGQનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું આ જીતને દેશના અપાર સમર્થન અને પ્રેમને સમર્પિત કરું છું.
મનુ ભાકરનો મેડલ પણ પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો મેડલ છે. આમ, ભારત માટે આ સતત ત્રીજી ઓલિમ્પિક છે, જેમાં મહિલા ખેલાડીઓએ મેડલ સાથે દેશનું ખાતું ખોલ્યું છે. મનુ ભાકરે ઓલિમ્પિક શૂટિંગમાં ભારતના 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત લાવી દીધો છે. મનુ ભાકરે ફાઈનલ મેચમાં 221.7 પોઈન્ટ મેળવ્યા હતા. આ ઇવેન્ટના ગોલ્ડ અને સિલ્વર મેડલ કોરિયાના ફાળે ગયા હતા.
મનુને તેની સિદ્ધિ બદલ સમગ્ર દેશમાંથી અભિનંદન મળી રહ્યા છે. ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને તેમને અભિનંદન પાઠવ્યા છે. મનુ ભાકર હરિયાણાની શૂટર છે અને તે પેરિસ ઓલિમ્પિકમાં 25 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ભારત માટે મેડલ માટે પણ લડશે.
