ભારતનો એજબેસ્ટનમાં ઐતિહાસિક વિજય: ઇંગ્લેન્ડને 58 વર્ષ બાદ 336 રનથી હરાવ્યું
Live TV
-
ભારતનો એજબેસ્ટનમાં ઐતિહાસિક વિજય: ઇંગ્લેન્ડને 58 વર્ષ બાદ 336 રનથી હરાવ્યું
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લેન્ડ સામે 336 રનથી પ્રભાવશાળી વિજય મેળવીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે ભારતે 58 વર્ષ બાદ એજબેસ્ટન ખાતે ટેસ્ટ મેચ જીતવાનો દુષ્કાળ સમાપ્ત કર્યો છે, જે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરશે.
મેચમાં, ભારતીય ટીમે પ્રથમ દાવમાં 587 રનનો વિશાળ સ્કોર કર્યા હતા. જવાબમાં, ઇંગ્લેન્ડની ટીમ 407 રન બનાવી ઓલઆઉટ થઈ હતી, જેના કારણે ભારતને 180 રનની મજબૂત લીડ મળી હતી. ભારતે પોતાની બીજી ઇનિંગ 427/6ના સ્કોર પર ડિકલેર કરી ઇંગ્લેન્ડ સામે 608 રનનો પહાડ જેવો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, ઇંગ્લિશ ટીમ રમતના પાંચમા દિવસના બીજા સત્રમાં જ ઓલઆઉટ થઈ જતાં ભારતનો ભવ્ય વિજય થયો હતો.
ભારતની આ ઐતિહાસિક જીતમાં યુવા ઝડપી બોલર આકાશદીપનો જાદુ બંને ઇનિંગ્સમાં જોવા મળ્યો હતો. તેણે પ્રથમ ઇનિંગ્સમાં 4 અને બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ ઝડપી કુલ 10 વિકેટો સાથે મેચ-વિનિંગ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, મોહમ્મદ સિરાજે પણ પ્રથમ ઇનિંગ્સમાં 6 અને બીજી ઇનિંગ્સમાં 1 વિકેટ ઝડપી ભારતના વિજયમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
ભારતે 1967માં આ મેદાન પર પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી, જેમાં તેમને 132 રનથી હાર મળી હતી. 58 વર્ષ બાદ મળેલી આ જીત ભારતીય ટીમના મનોબળને વધુ મજબૂત કરશે અને આગામી મેચો માટે તેમને પ્રેરણા આપશે.આ વિજય ભારતીય ક્રિકેટ માટે એક યાદગાર ક્ષણ છે અને ચાહકોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે.
