ભારતે 8મી વખત વિમેન્સ એશિયા કપનો ખેતાબ જીત્યો, ફાઇનલમાં શ્રીલંકાને 72 રને હરાવ્યું
Live TV
-
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી વિમેન્સ એશિયા કપ 2026ની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 72 રનથી ભારે પરાજય આપીને 8મી વખત એશિયા કપની ટ્રોફી પોતાના નામે કરી છે. ભારત તરફથી મળેલા 184 રનના મજબૂત લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઓપનરોની તોફાની અડધી સદી:
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતીય ટીમને ઓપનરોએ સંગીન શરૂઆત અપાવી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાના વચ્ચે પ્રથમ વિકેટ માટે 12.5 ઓવરમાં 129 રનની ભાગીદારી થઈ હતી. શેફાલીએ માત્ર 39 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 68 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, જ્યારે સ્મૃતિ મંધાનાએ પણ 39 બોલમાં 59 રનનું મહત્વદાન આપ્યું હતું. અંતમાં ગુનાલન કમલિનીએ માત્ર 5 બોલમાં અણનમ 15 રન ફટકારતા ભારતે 183 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. શ્રીલંકા તરફથી ચમારી અટાપટ્ટુ, ચમુદી પ્રબોધા અને મિતાલી અયોધ્યાએ 1-1 વિકેટ લીધી હતી.શ્રીલંકન બેટિંગ લાઈન-અપ ધ્વસ્ત:
184 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર ઈમેશા દુલાની માત્ર 4 રન બનાવી આઉટ થઈ હતી. જોકે, ચમારી અટાપટ્ટુ (36 રન) અને વિશ્મી ગુણરત્ને (20 રન) વચ્ચે બીજી વિકેટ માટે 58 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ આ જોડી તૂટતા જ શ્રીલંકાનો મિડલ ઓર્ડર તાસના પત્તાની જેમ વિખેરાઈ ગયો હતો. નિલાક્ષી ડી સિલ્વાએ 22 રન બનાવ્યા હતા, પરંતુ તે સિવાય કોઈ બેટર ક્રિઝ પર ટકી શક્યું નહોતું.શ્રી ચરણી અને દીપ્તિ શર્માની ધાકડ બોલિંગ:
ભારત તરફથી શ્રી ચરણીએ ખતરનાક બોલિંગનું પ્રદર્શન કરતા સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે દીપ્તિ શર્માએ 3 વિકેટ ઝડપીને શ્રીલંકાની કમર ભાંગી નાખી હતી. આ સિવાય શેફાલી વર્મા અને પ્રેમા રાવતે 1-1 વિકેટ મેળવીને ભારતને ભવ્ય જીત અપાવી હતી.
