લખનઉ સુપર જાઈન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં મુકાબલો
Live TV
-
IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આજે મુકાબલો. બંને ટીમો વર્તમાન સિઝનમાં બીજી વખત એકબીજા સામે આવી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને દિલ્હી કેપિટલ્સ (DC) આજે ટકરાશે. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. દિલ્હીએ ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં સાત મેચ રમી છે, જેમાંથી તેણે પાંચમાં જીત મેળવી છે. બીજી તરફ, લખનઉએ દિલ્હી કરતાં એક મેચ વધુ રમી છે, પરંતુ તેણે ફક્ત પાંચ મેચ જીતી છે.
સિઝનમાં બંને ટીમો બીજી વખત એકબીજા સામે આવી
દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વર્તમાન સિઝનમાં બીજી વખત આમને-સામને છે. આ પહેલા 24 માર્ચે, વિશાખાપટ્ટનમના YS રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સે એક વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. હવે ઋષભ પંતના નેતૃત્વ હેઠળની લખનઉની ટીમ તે હૃદયદ્રાવક હારનો બદલો લેવા માંગશે.
ઋષભ પંતનું ખરાબ ફોર્મ લખનઉ માટે મોટી સમસ્યા
લખનઉ સુપર જાયન્ટ્સના વિદેશી બેટ્સમેન મિશેલ માર્શ, નિકોલસ પૂરન અને એડન માર્કરમે રનનો વરસાદ વરસાવ્યો છે. જોકે, કેપ્ટન ઋષભ પંતનું ખરાબ ફોર્મ લખનઉ માટે એક મોટી સમસ્યા રહ્યું છે. પંતે આઠ મેચમાં ફક્ત 106 રન જ બનાવ્યા છે અને તેમાંથી 63 રન એક જ મેચમાં બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક-રેટ (98.14) પણ થોડો ચિંતાજનક છે. દિલ્હી સામે, પંતે મિશેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, વિપ્રજ નિગમ અને મુકેશ કુમાર જેવા બોલરોનો સામનો કરવો પડશે.
LSGની બોલિંગ એકદમ મજબૂત
લખનઉ સુપર જાયન્ટ્સની બોલિંગ એકદમ મજબૂત દેખાઈ રહી છે જેમાં દિગ્વેશ રાઠી, રવિ બિશ્નોઈ, આવેશ ખાન અને શાર્દુલ ઠાકુર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. રાજસ્થાન રોયલ્સ સામે 18મી અને 20મી ઓવરમાં આવેશ ખાને જે રીતે શાનદાર બોલિંગ કરી અને ટીમને લગભગ હારી ગયેલી મેચ જીતવામાં મદદ કરી તે જોવા જેવું હતું.
ફાફ ડુ પ્લેસિસ ફિટ કે અનફીટ ?
બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે ઓપનિંગ કોમ્બિનેશન કામ કરી રહ્યું નથી. છેલ્લી પાંચ મેચોમાં, તેણે ત્રણ અલગ-અલગ ઓપનિંગ કોમ્બિનેશન અજમાવ્યા છે, જેના પરિણામે 23, 34, 0, 9 અને 0ની ભાગીદારી થઈ. આ બાબત ફાફ ડુ પ્લેસિસની ઈજા સાથે પણ સંબંધિત હતી. ડુ પ્લેસિસ આ મેચ માટે ફિટ છે કે નહીં તે જોવાનું બાકી છે.
દિલ્હી કેપિટલ્સની બેટિંગ કે.એલ.રાહુલની આસપાસ ફરે છે. જોકે, ટ્રિસ્ટન સ્ટબ્સ, કરુણ નાયર અને અભિષેક પોરેલે ચોક્કસપણે કેટલીક સારી ઇનિંગ્સ રમી છે. સુકાની અક્ષર પટેલે પણ ઉપયોગી બેટિંગ કરી છે, તેણે 159.09ના સ્ટ્રાઇક-રેટથી 140 રન બનાવ્યા છે. પરંતુ અક્ષર બોલિંગમાં નિષ્ફળ ગયો છે અને તેણે સાત મેચમાં 9.36ની ઇકોનોમી સાથે માત્ર એક જ વિકેટ લીધી છે.
બંને ટીમોની શું પરિસ્થિતિ ?
IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે. આ સમયગાળા દરમિયાન, લખનઉ સુપર જાયન્ટ્સે ત્રણ મેચ જીતી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે એટલી જ મેચ જીતી હતી. મતલબ કે બંને ટીમો વચ્ચેનો મુકાબલો બરાબરીનો છે.