હૈદરાબાદે રાજસ્થાનને 5 વિકેટથી હરાવ્યું, વૈભવની સદી પર ઈશાન-અભિષેકની ઈનિંગ ભારે પડી
Live TV
-
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ શનિવારે IPL 2026ની 36મી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR)ને 5 વિકેટથી હરાવ્યું. સવાઈ માનસિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં RR દ્વારા આપવામાં આવેલા 229 રનના લક્ષ્યાંકને SRHએ 18.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદની આ સિઝનની આ પાંચમી જીત છે.
રાજસ્થાન રોયલ્સ તરફથી મળેલા 229 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. ટ્રેવિસ હેડ માત્ર 5 બોલમાં 6 રન બનાવી આઉટ થયો હતો. જોકે, આ પછી ઈશાન કિશન અને અભિષેક શર્માએ મોરચો સંભાળ્યો હતો. બંનેએ બીજી વિકેટ માટે માત્ર 55 બોલમાં 132 રનની ભાગીદારી નોંધાવી હતી. અભિષેકે 29 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 57 રન બનાવ્યા હતા. તો બીજી તરફ ઈશાન કિશને 31 બોલમાં 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પોતાની આ ઈનિંગમાં ઈશાને 11 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
અભિષેક-ઈશાન પેવેલિયન પરત ફર્યા બાદ હેનરિક ક્લાસેન અને નીતિશ કુમાર રેડ્ડીએ ટીમને જીત સુધી પહોંચાડવાની જવાબદારી લીધી હતી. બંનેએ સાથે મળીને ચોથી વિકેટ માટે 31 બોલમાં 53 રનની મહત્વની ભાગીદારી કરી હતી. નીતિશ 18 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. ક્લાસેને 24 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 29 રન બનાવ્યા હતા. સલિલ અરોરા 8 અને અનિકેત વર્મા એક રન બનાવી અણનમ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગમાં જોફ્રા આર્ચર અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે ફરેરાએ એક વિકેટ લીધી હતી.
આ પહેલા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ (10 રન) સસ્તામાં આઉટ થયા બાદ ધ્રુવ જુરેલ અને વૈભવ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરતા બીજી વિકેટ માટે 62 બોલમાં 112 રન જોડ્યા હતા. જુરેલે 35 બોલમાં 51 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ વૈભવે તોફાની અંદાજમાં રમતા માત્ર 36 બોલમાં તેની IPL કરિયરની બીજી સદી પૂરી કરી હતી. વૈભવે 37 બોલમાં 103 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની આ ઈનિંગમાં 5 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા હતા.
રિયાન પરાગ માત્ર 7 રન બનાવી શક્યો હતો, જ્યારે ડોનોવન ફરેરાએ 16 બોલમાં 33 રન બનાવ્યા હતા. શિમરોન હેટમાયર 10 બોલમાં 11 રન બનાવી પ્રફુલ્લ હિંગેનો શિકાર બન્યો હતો. જાડેજા 4 અને આર્ચર 2 રને અણનમ રહ્યા હતા. બોલિંગમાં SRH તરફથી ઈશાન મલિંગાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રફુલ્લ, કમિન્સ અને નીતિશે એક-એક વિકેટ પોતાના નામે કરી હતી. રાજસ્થાન રોયલ્સને આ સિઝનની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
