23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સે ટેનિસમાંથી નિવૃત્તિના આપ્યા સંકેત
Live TV
-
સેરેના વિલિયમ્સે ઓપન એરામાં કોઈપણ મહિલા ટેનિસ ખેલાડી કરતાં વધુ ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબ જીત્યા છે.
ટેનિસ જગતની દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે ટેનિસમાંથી નિવૃત્તિ લેવાના સંકેત આપ્યા હતા. અમેરિકાની 23 વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન 40 વર્ષીય સેરેના વિલિયમ્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ સંકેત આપ્યા હતા. ઇજાના કારણે ટેનિસ કોર્ટથી લાંબા સમય માટે દૂર રહેલી સેરેના જૂનમાં વિમ્બલ્ડનમાં પાછી આવી હતી. સેરેનાએ કહ્યું કે તે ઓગસ્ટમાં આયોજિત યુએસ ઓપનમાં રમશે, જ્યાં તેણે 6 એકલ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.
સેરેના વિલિયમ્સે ઓપન એરામાં કોઈપણ મહિલા ટેનિસ ખેલાડી કરતાં વધુ ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબ જીત્યા છે અને માર્ગારેટ કોર્ટના 24 પછી બીજા સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ એકલ ખિતાબ જીત્યા છે. એકલ વર્ગમાં વિલિયમ્સે સાત વખત વિમ્બલ્ડન અને ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યા છે, સાથે છ યુએસ ઓપન ટ્રોફી અને ત્રણ ફ્રેન્ચ ઓપન ખિતાબ જીત્યા છે.
સેરેના 17 વર્ષની હતી જ્યારે 1999માં તેણે તેનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ યુએસ ઓપન જીત્યો હતો. તેણે 2017 ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેનું છેલ્લું ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યું હતું. સેરેના વિલિયમ્સે તેની કારકિર્દીમાં 73 એકલ ખિતાબ અને 23 ડબલ્સ ખિતાબ જીત્યા છે.
મહાન ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સના ટેનિસ જગતની ઉપલબ્ધિઓ
- 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ: ઓપન એરામાં સૌથી વધુ
- 73 કુલ WTA ટાઇટલ, જેમાં દરેક ગ્રાન્ડ સ્લેમ ખિતાબ ત્રણ કે તેથી વધુ વખત જીતવાની ઉપલબ્ધિ શામેલ
- 39 કુલ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ (23 એકલ, 14 મહિલા ડબલ્સ, 2 મિક્સ્ડ ડબલ્સ)
- 14 ગ્રાન્ડ સ્લેમ ખિતાબ બહેન વિનસ વિલિયમ્સ સાથે
- 4 ઓલિમ્પિક સુવર્ણ પદક
- 319 અઠવાડિયા મહિલા રેન્કિંગમાં ટોચ પર
- 186 અઠવાડિયા સુધી સતત મહિલા રેન્કિંગમાં ટોચ પર- મહિલા ટેનિસ ખેલાડી ક્રિસ એવર્ટ સાથેનો સંયુક્ત રેકોર્ડ
- 71.3 ટકા જીતનો રેકાર્ડ, ટોપ-10 ક્રમાંકિત ખેલાડીઓ વિરુદ્ધ
- 94 મિલિયન ડૉલર ટાઇટલ જીતથી આવક
