FIH જુનિયર હોકી વિશ્વ કપ: ભારત-બેલ્જિયમ વચ્ચે ચેન્નાઈમાં આજે કાંટાની ટક્કર
Live TV
-
FIH જુનિયર હોકી વિશ્વ કપ: ભારત-બેલ્જિયમ વચ્ચે ચેન્નાઈમાં આજે કાંટાની ટક્કર
FIH પુરુષ જુનિયર હોકી વિશ્વ કપમાં આજે યજમાન ભારત અને મજબૂત બેલ્જિયમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મુકાબલો રમાશે. ચેન્નાઈ ખાતે યોજાનારી આ રોમાંચક મેચમાં બંને ટીમો સેમિ-ફાઇનલમાં પ્રવેશ મેળવવા માટે પોતાની સર્વશ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરશે.
કોચ પી.આર. શ્રીજેશ અને કેપ્ટન રોહિતની આગેવાની હેઠળની ભારતીય ટીમે અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે પૂલ મેચોમાં એક પણ ગોલ ગુમાવ્યા વિના શાનદાર જીત મેળવી છે. છેલ્લી પૂલ મેચમાં ભારતીય ટીમે સ્વિટ્ઝરલેન્ડને 5-0ના મોટા અંતરથી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.
પૂલ તબક્કામાં કુલ 29 ગોલ ફટકારીને અને એકપણ ગોલ ન ખાઈને ભારતીય ટીમે પોતાની આક્રમક રમત અને મજબૂત રક્ષણનો પરિચય આપ્યો છે. હવે ભારતીય ટીમ પોતાના આ ઉત્કૃષ્ઠ પ્રદર્શનને જાળવી રાખીને બેલ્જિયમની મજબૂત ટીમને હરાવીને સેમિ-ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે.
સામે પક્ષે, બેલ્જિયમની ટીમે પણ શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ મેચ બંને ટીમો માટે ખરા પડકારરૂપ સાબિત થશે, જ્યાં જીત મેળવનારી ટીમ ટુર્નામેન્ટમાં આગળ વધશે.
