IND vs ENG : ભારતે બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો
Live TV
-
ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની ટી20 સિરીઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝમાં 1-1ની બરોબરી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.5 ઓવરમાં 3 વિકેટે લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ઈશાન કિશને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પર્દાપણ કર્યુ છે. તેણે પોતાની પ્રથમ ટી20 મેચમાં અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટી20 મેચમાં કિશનને રમવાની તક મળી હતી. તેણે રાહુલ સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તે 32 બોલમાં 5 ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે 56 રન બનાવી આઉટ થયો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે પ્રથમ વિકેટ પડ્યા બાદ ઇશાન કિશન સાથે 94 રનની ભાગીદારી કરી હતી. કોહલીએ 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની 26મી અડધી સદી છે. કોહલીએ 49 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 73 રન બનાવ્યા હતા. રિષભ પંત અને વિરાટ કોહલી વચ્ચે ત્રીજી વિકેટ માટે 36 રનની ભાગીદારી થઈ હતી. રિષભ પંત 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે 26 રન બનાવી ક્રિસ જોર્ડનની ઓવરમાં આઉટ થયો હતો. ટી20 સિરીઝની આગામી ત્રીજી મેચ 16 માર્ચનાં રોજ યોજાશે.
