IPL 2026ની પહેલી મેચમાં RCBની એકતરફી જીત
Live TV
-
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું. RCBએ 202 રનનો લક્ષ્યાંક માત્ર 15.4 ઓવરમાં હાંસલ કરી લીધો. વિરાટ કોહલીએ 38 બોલમાં 69 રન અને દેવદત્ત પડિક્કલે 26 બોલમાં 61 રનની ઇનિંગ રમી. જેકબ ડફીએ SRHના ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને નીતીશ કુમાર રેડ્ડીની 3 મહત્વની વિકેટ ઝડપી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે IPL 2026 ની શરૂઆત શાનદાર રહી છે. પ્રથમ મેચમાં જેકબ ડફી, વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલના ધમાકેદાર પ્રદર્શનને કારણે RCB એ સનરાઇઝર્સ હૈદરાબાદ પર આસાન જીત નોંધાવી હતી.
IPL 2026 ની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધમાકેદાર અંદાજમાં કરી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલી આ મેચમાં RCB એ ધૂમ મચાવી હતી. પ્રથમ બોલથી જ જેકબ ડફીએ સકંજો કસ્યો અને 3 મોટી વિકેટો ઝડપી. 200 રનથી વધુના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી RCB માટે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે તોફાની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન રજત પાટીદારે પણ મોટા શોટ્સ ફટકાર્યા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પ્રથમ મેચમાં જ એકતરફી જીત અપાવી દીધી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પ્રથમ મેચમાં જીત
RCB એ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. SRH ની શરૂઆત સારી રહી નહોતી અને જેકબ ડફીએ ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને નીતીશ કુમાર રેડ્ડીને આઉટ કર્યા હતા. કેપ્ટન ઇશાન કિશનના 80 રન, હેનરિક ક્લાસેનના 31 રન અને અનિકેત વર્માની 43 રનની ઇનિંગને કારણે SRH એ 20 ઓવરમાં 201 રન બનાવ્યા હતા. એવું લાગતું હતું કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ લક્ષ્યાંકનો પીછો કરવો સરળ નહીં હોય.
ફિલ સોલ્ટ માત્ર 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે બેટિંગથી ધમાલ મચાવી હતી. પડિક્કલે 26 બોલનો સામનો કરીને 234.62 ના સ્ટ્રાઈક રેટથી 61 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા બાદ રજત પાટીદારે વિરાટ સાથે ભાગીદારી કરી હતી. રજતે 12 બોલમાં 31 રન બનાવ્યા હતા. વિરાટ એક તરફ ટકી રહ્યો અને રજત આઉટ થયા બાદ ટિમ ડેવિડ સાથે ભાગીદારી કરી હતી. વિરાટે 38 બોલમાં 69 રનની તોફાની ઇનિંગ રમી અને વિનિંગ શોટ ફટકારીને RCB ને 15.4 ઓવરમાં જ 6 વિકેટે જીત અપાવી હતી.
કોણ રહ્યું 'પ્લેયર ઓફ ધ મેચ'?
RCB માટે ભલે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલે તોફાની ઇનિંગ રમી હોય, પરંતુ મેચમાં જેકબ ડફીનો પણ ઘણો પ્રભાવ રહ્યો હતો. તેણે શરૂઆતમાં અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતીશ કુમાર રેડ્ડીની મોટી વિકેટો લઈને RCB ને મોમેન્ટમ અપાવ્યું હતું. ડફી તેની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો અને તેણે 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, તેનો ઇકોનોમી રેટ માત્ર 5.5 રહ્યો હતો. આ કારણે જ તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો ખિતાબ મળ્યો હતો.
